Agriculture News: ITI કર્યા બાદ નોકરી નહીં, ખેતીમાં અજમાવ્યું નસીબ, દોઢ વિઘામાં બે પાકથી 1.50 લાખની કમાણી
પ્રાકૃતિક ખેતી અપનાવી, બ્રોકલી અને ફુલાવર વાવેતરથી દોઢ વિઘામાંથી 1.50 લાખ રૂપિયાની આવક મેળવી
જૈવિક પદ્ધતિથી ખેતી કરતા કાનજીભાઈ સોલંકી કૃષિ ખર્ચ ઘટાડીને સારી કમાણી કરી રહ્યા
Agriculture News: ખેડૂતો ખેતી ખર્ચ ઘટાડવા માટે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને સારી આવક મેળવે છે. તેમજ બાગાયત પાક અને રોકડિયા પાકનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવે છે. વર્તમાન સમયની માંગ મુજબ ખેતીમાં બદલાવ કરતા રહે છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામના યુવા ખેડૂત કાનજીભાઈ સોલંકી પ્રાકૃતિક ખેતી કરે છે. ખેડૂતોને ફુલાવર અને બ્રોકલીની ખેતી કરી છે. પાકનું વેચાણ અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં કરે છે. ખેડૂત વર્ષ 2014થી પ્રાકૃતિક ખેતી કરે છે.
ખેડૂત કાનજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “મેં 12 ધોરણ પછી આઈ.ટી.આઈ. કર્યું છે. નાનપણથી જ ખેતી સાથે સંકળાયેલો છું. અભ્યાસ માટે બહાર ગયો હતો. પરત આવી ખેતી સાથે જોડાઈ ગયો છું. પરંતુ પરંપરાગત ખેતીમાં ઉત્પાદન ઓછું થતું હતું. બાદ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી હતી અને વર્ષ 2014થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. પહેલા પરંપરાગત પાકનું વાવેતર કરતા હતા. હવે શાકભાજીનું વાવેતર શરૂ કર્યું છે.”
ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, શાકભાજી પાકમાં બ્રોકલી અને ફુલાવરનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ફુલાવરનું એક વિઘામાં વાવેતર કરવામાં આવ્યું છે અને અડધા વિઘા જમીનમાં બ્રોકલીનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. પાકના વાવેતરથી લઈને ઉત્પાદન સુધી જૈવિક દવા અને ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે. પાકને જીવામૃત, ઘનજીવામૃત, એરંડાનો ખોળ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ખેડૂતે કહ્યું હતું કે, પાકનું બિયારણ બહારથી ખરીદવામાં આવે છે. બાદ બીજને જૈવિક ખાતર કે દવાનો પટ આપવામાં આવે છે. બાદ યોગ્ય રીતે વાવેતર કરવામાં આવે છે. હાલ બ્રોકલી અને ફુલાવરનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાકનું વેચાણ અમદાવાદ, ભાવનગર, વડોદરામાં કરવામાં આવે છે. ગુરુવાર અને રવિવારે અમદાવાદ, સોમવાર અને શુક્રવારે વડોદરા વેચાણ કરવામાં આવે છે. એક કિલો બ્રોકલીના ભાવ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી મળે છે. ફુલાવરના ભાવ એક કિલોના 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી મળે છે. દોઢ વિઘામાંથી 1 લાખ રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે.