Adr Report Full List : ધનવાન મુખ્યમંત્રીઓમાં ચંદ્રબાબુ ટોપ પર, ભૂપેન્દ્ર પટેલ 15મા સ્થાને, રેવંત રેડ્ડી સામે 89 કેસ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8.22 કરોડની સંપત્તિ સાથે 31 મુખ્યમંત્રીઓમાં 15મા ક્રમે છે અને તેમની સામે એકપણ ગુનાત્મક કેસ નથી
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સૌથી વધુ 931 કરોડ રૂપિયાની મિલકત સાથે ટોચના સ્થાન પર છે, જ્યારે 31માંથી 29 મુખ્યમંત્રીઓ કરોડપતિ છે
અમદાવાદ, સોમવાર
Adr Report Full List : ADR (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા દેશના 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાલના મુખ્યમંત્રીઓના સોગંદનામાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણમાં મુખ્યમંત્રીઓએ ચૂંટણી દરમ્યાન કરેલી જાહેરાતો અને તેઓ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાઓના આધાર પર તેમના આર્થિક અને ગુનાત્મક રેકોર્ડનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
ભૂપેન્દ્ર પટેલ 15મા ક્રમે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8.22 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 31 મુખ્યમંત્રીઓમાં 15મા સ્થાને છે. તેઓ એકમાત્ર ડિપ્લોમા ધરાવતા મુખ્યમંત્રી છે અને તેમની સામે એકપણ ક્રિમિનલ કેસ નોંધાયો નથી. તેઓ 55% મુખ્યમંત્રીઓના જૂથમાં સામેલ છે, જેમની કુલ મિલકત 1 કરોડથી 10 કરોડ રૂપિયા દરમિયાન છે.
ચંદ્રબાબુ નાયડુ સૌથી ધનાઢ્ય
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સૌથી વધુ 931 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે, જે આ યાદીમાં તેમને ટોચનું સ્થાન અપાવે છે. વિશ્લેષણ દર્શાવે છે કે 31માંથી 29 મુખ્યમંત્રીઓ કરોડપતિ છે અને આ 31 મુખ્યમંત્રીઓની કુલ મિલકત 1630 કરોડ રૂપિયાની છે. અન્ય 100 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવનારા મુખ્યમંત્રીઓમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે.
ગુનાત્મક કેસો પર નજર
કુલ 31 મુખ્યમંત્રીઓમાંથી 13 (42%) મુખ્યમંત્રીઓ સામે ગુનાખોરી સંબંધિત કેસો નોંધાયેલા છે. આમાંથી 10 મુખ્યમંત્રીઓ સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમ કે હત્યા કરવાનો પ્રયાસ, લાંચ કે અપહરણ જેવા ગુનાઓ. સૌથી વધુ 89 ગુનાઓ તેલંગાણાના મુખ્યમંત્રીના નામે નોંધાયા છે, જેમાં ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
સરેરાશ મિલકત અને આવક
આ તમામ મુખ્યમંત્રીઓની સરેરાશ મિલકત 52.59 કરોડ રૂપિયા છે, જે ભારતની સરેરાશ પ્રતિ વ્યક્તિ આવક કરતાં 7.3 ગણી વધુ છે. PIB દ્વારા જાહેર કરાયેલા નેટ નેશનલ ઇન્કમ (NNI) ડેટાના આધારે, મુખ્યમંત્રીઓની સરેરાશ આવક રૂ.13.64 લાખ હોવાનું બહાર આવ્યું છે.
આ વિશ્લેષણ દેશના નેતાઓના આર્થિક અને ગુનાત્મક પ્રોફાઇલ પર રસપ્રદ માહિતી આપી સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરે છે.