ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતમાંથી 200 કરતાં વધુ કાર્યકરો અને નેતાઓને ચૂંટણી પ્રચારમાં જોડવામાં આવ્યા છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટએ ભાજપ કરતાં તદ્દન વિપરીત નિર્ણય કર્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ આ અંગે જણાવ્યું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને કાર્યકરોના જીવને જોખમમાં મૂકી શકાય નહીં. ગુજરાતના લોકોને અત્યારે સહાયભૂત થવાની જરુરિયાત વધારે છે. સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. માસ્ક વિતરણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. લોકોને સેનેટાઈઝર્સનો વધુમાં વધુ ઉપયોગ કરીને રોગથી બચવા માટે ઠેર ઠેર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મહામારી વધી રહી છે અને દેશમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પોતાના જિલ્લા, શહેરમાં રહીને કાર્યકરોને લોકસેવામાં જોડાઈ જવાનું કહેવામાં આવ્યું છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાતના કાર્યકરોને જવાની જરુર નથી. પ્રથમ ફરજ ગુજરાતના લોકોને સહાયભૂત થવાની છે અને આમ આદમી પાર્ટી હાલ લોકસેવામાં મંડી પડી છે.
અસિત વોરાની સામેની લડત અંગે તેમણે કહ્યું કે હમણા તો કોર્ટના આદેશ મુજબ કેટલીક કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેપર લીક અંગે નક્કી કરવામાં આવશે.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ગાંધીનગર સ્થિત કમલમને ઘેરવાની ઘટનામાં ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ સહિતના 100થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી અને બાર દિવસ બાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો.