Valsad: સૌથી વધુ ડાંગમાં ૨૪ રાઉન્ડ અને સૌથી ઓછા પારડીમાં ૧૮ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ઈવીએમના ૧૩૫૨૪૧૩ અને પોસ્ટલ બેલેટના ૧૦૨૪૩ મતોની થશે ગણતરી
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૬ વલસાડ બેઠક પર ગત તા. ૭ મે ના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૭૨.૭૧ ટકા મતદાન થયુ હતું. જે મતોની ગણતરી આગામી તા. ૪ જૂનના રોજ સવારે ૮ કલાકથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત હેઠળ થનાર છે ત્યારે આ સંદર્ભે આજે શુક્રવારે વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ શાહના અધ્યક્ષસ્થાને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ સાથે પ્રેસ બ્રિફીંગ અંગે બેઠક મળી હતી.
વલસાડ બેઠક પર તા. ૪ જૂનના રોજ થનારી મતગણતરી અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ૨૬- વલસાડ બેઠક પર ૧૭૮- ધરમપુર (અ.જ.જા.), ૧૭૯- વલસાડ, ૧૮૦- પારડી, ૧૮૧- કપરાડા (અ.જ.જા.), ૧૮૨- ઉમરગામ (અ.જ.જા.), ૧૭૩- ડાંગ (અ.જ.જા.) અને ૧૭૭- વાંસદા (અ.જ.જા.) મળી કુલ – ૭ વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ ૧૪ ટેબલો પર ઈવીએમના ૧૩૫૨૪૧૩ મતોની ગણતરી હાથ ધરાશે. જેમાં એક ટેબલ દીઠ ૧- માઈક્રોઓબ્ઝર્વર, ૧-કાઉન્ટીંગ સુપરવાઈઝર અને ૧- આસિસ્ટન્ટ સુપરવાઈઝર રહેશે. કુલ – ૭ વિધાનસભા મળી ૯૮ ટેબલ પર એક સાથે મતગણતરી હાથ ધરાશે. જ્યારે ૨૨ ટેબલ પર ૧૦૨૪૩ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. એક ટેબલ પર ૫૦૦ પોસ્ટલ મતની ગણતરી થશે. પોસ્ટલ બેલેટ મતગણતરી માટે એક કાઉન્ટિંગ સુપરવાઈઝર, બે મદદનીશ સુપરવાઈઝર, એક માઈક્રો ઓર્બ્ઝવર અને એક એડિશન એઆરઓ પોતાની કામગીરી સુપેરે બજાવશે.
પ્રેસ બ્રિફિંગને સંબોધતા વલસાડ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહે જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી –વ- કલેકટરશ્રી આયુષ ઓક અને જનરલ ઓર્બ્ઝવર તરણપ્રકાશ સિંહા અને કાઉન્ટિંગ ઓર્બ્ઝવર કબિન્દર શાહુની ઉપસ્થિતિમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. જે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધરમપુર બેઠકના ૨૭૮ મતદાન મથકોની મતગણતરી અંદાજે ૨૦ રાઉન્ડ, વલસાડના ૨૬૬ મતદાન મથકોની અંદાજે ૧૯ રાઉન્ડ, પારડીના ૨૪૬ પોલિંગ સ્ટેશનની અંદાજે ૧૮ રાઉન્ડ, કપરાડાના ૨૯૮ મતદાન મથકોની અંદાજે ૨૧ રાઉન્ડ, ૧૮૧- ઉમરગામના ૨૭૧ મતદાન મથકોની અંદાજે ૧૯ રાઉન્ડ, ડાંગના ૩૨૯ મતદાન મથકોની અંદાજે ૨૪ રાઉન્ડ અને વાંસદાના ૩૨૧ મતદાન મથકોની અંદાજે ૨૩ રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે. મતગણતરીના સૌથી વધુ રાઉન્ડ ડાંગ અને સૌથી ઓછા રાઉન્ડ પારડી વિધાનસભા બેઠક પર થશે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું કે, એક વિધાનસભા દીઠ વીવીપેટના પાંચ મતની ગણતરી કરાશે. સવારે પાંચ કલાકે ઓર્બ્ઝવરશ્રીઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન થશે. મતગણતરીના કવરેજ માટે મીડિયા કર્મીઓ માટે પાર્કિગ અને બે મીડિયા સેન્ટરમાં મત ગણતરીના પ્રસારણ અંગે કરાયેલી વ્યવસ્થાઓથી સૌ મીડિયા કર્મીઓને વાકેફ કરાયા હતા. બેઠકમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.