1800 crore drugs Gujarat coast : ગુજરાત દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત: પાકિસ્તાની બોટના ચાલકો દરિયામાં ફેંકીને ભાગી ગયા, ATSના રડાર પર ફરી આવ્યો જૂનો આરોપી
1800 crore drugs Gujarat coast : ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત વિશાળ માત્રામાં નશીલા પદાર્થોની દાણચોરીના પ્રયાસો સામે આવ્યા છે. પોરબંદરથી લગભગ 190 કિમી દૂર અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં આશરે 1800 કરોડ રૂપિયાનું 311 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
પાકિસ્તાની બોટ જોઈને દરિયામાં ફેંકી દીધું ડ્રગ્સ
આ ઓપરેશન 12 થી 13 એપ્રિલ દરમિયાન હાથ ધરાયું હતું. દરિયામાં ગસ્તમાં રહેલી કોસ્ટ ગાર્ડની શીપને જોઈને એક પાકિસ્તાની બોટના ઇસમોએ નશીલા પદાર્થ ભરેલા બ્લૂ ડ્રમ્સ પાણીમાં ફેંકી નાસી ગયા હતા. બાદમાં આ ડ્રમ્સમાંથી 311 પેકેટ્સમાં ભરેલા અંદાજે 311 કિલો ડ્રગ્સ બહાર કાઢવામાં આવ્યા.
ગુપ્ત જાણકારીના આધારે ATS અને ICGનું ઓપરેશન
ગુજરાત ATSના DIG સુનિલ જોશીના જણાવ્યા મુજબ, તેમને એક ખાનગી સૂત્ર દ્વારા બાતમી મળી હતી કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ‘ફિદા’ દ્વારા દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બાતમીના આધારે ATS અને કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કવાયત શરૂ કરી હતી. બોટ ઉપરથી ‘રમિઝ’ના કોલ સાઇન હેઠળ તમિલનાડુ મોકલવા માટે તૈયાર કરાયેલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
BOUNDARY લાંઘી નાસી ગયેલી બોટ, પરંતુ ડ્રગ્સ રિકવર
જ્યારે બોટ પકડવાનો પ્રયાસ થયો, ત્યારે તસ્કરો દરિયામાં ડ્રમ્સ ફેંકી IMBL તરફ ભાગી ગયા. જો કે, કોસ્ટ ગાર્ડે તમામ ડ્રમ્સ રિકવર કરીને તેમની તપાસ શરૂ કરી હતી. ડ્રગ્સ મોકલનાર ‘ફિદા’ના નામનો ઉલ્લેખ અગાઉ પણ ATSની તપાસમાં થઈ ચૂક્યો છે.
છેલ્લા છ વર્ષમાં 10 હજાર કરોડથી વધુના ડ્રગ્સ ઝડપાયા
ગુજરાત ATSના રેકોર્ડ મુજબ, 2018થી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે 5400 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ ઝડપાઇ ચૂક્યાં છે, જેમાં 77 પાકિસ્તાની, 34 ઇરાન અને 2 નાઈજિરિયન સામેલ છે. તમામના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 10 હજાર કરોડ સુધી પહોંચી છે.
ગુજરાત બન્યું છે ડ્રગ્સ પ્રવાહનું મુખ્ય પ્રવેશદ્વાર
ગુજરાત તેમજ મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાંથી અનેક વખત ડ્રગ્સની દાણચોરીના પ્રયાસો સામે આવ્યા છે. અગાઉ એપ્રિલ 2024માં પોરબંદર નજીક 600 કરોડના 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા. ફેબ્રુઆરીમાં પણ ભારતીય નૌકાદળ અને NCB દ્વારા 3300 કિલો જેટલો નશીલો પદાર્થ પકડાયો હતો.