31 ઓક્ટબોરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયાના બીજા દિવસે ગુરુવારે દેશભરમાંથી 3,500થી વધારે પ્રવાસીઓ આવ્યાં હતાં. પરંતુ સવારે 9 વાગ્યાનો સમય હોવા છતાં બપોરે 2 વાગ્યા સુધી ટિકિટ કાઉન્ટર શરૂ ન કરાતા હોબાળો કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓના ભારે હોબાળા બાદ બપોર બાદ લીફટ શરૂ કરવામાં આવતાં માત્ર 900 જેટલા જ સહેલાણીઓ વ્યુ ગેલેરીમાં જઇ શકયાં હતાં. લોકાર્પણ બાદના પ્રથમ દિવસે દેશભરમાંથી સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવી પહોંચ્યાં હતાં.
બપોરના 12 વાગ્યાના અરસામાં વારાણસીથી આવેલાં 1,500 લોકોના જૂથે હોબાળો મચાવતાં તંત્રમાં દોડતું થયું હતું. બપોરે 2 વાગ્યા બાદ ટીકિટ કાઉન્ટર શરૂ કરી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બપોર બાદ લીફટ શરૂ કરાતાં 900 જેટલાં પ્રવાસીઓ જ વ્યુ ગેલેરીમાં જઇ શકયાં હતાં. અવ્યવસ્થાને પગલે વિવિધ રાજ્યોમાંથી આવેલા સહેલાણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.