ગાંધીનગર — ગુજરાતને આર્થિક બેહાલીમાંથી બચાવવા માટે સરકારે બનાવેલી સલાહકાર સમિતિએ જે રિપોર્ટ આપ્યો છે તેમાં નાગરિકો માટે ઓછો પરંતુ રાજ્ય સરકારનો વધુ ફાયદો જોવા મળે છે. કોરોના સંક્રમણથી લોકોને બહાર કાઢવા માટે આર્થિક પેકેજની જાહેરાત પછી બીજા તબક્કામાં સરકારની આર્થિક સ્થિતિ કેવી રીતે સુધરે તેના માટે આ સમિતિએ કામ કર્યું છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ડાઉન થયેલી રાજ્યની આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે બનાવેલી સલાહકાર સમિતિએ ફાઇલન રિપોર્ટ આપી દીધો છે.
કોરોના સંક્રમણના કારણે ગુજરાતની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. લોકો પ્રાઇવેટ નોકરીઓ ગુમાવી રહ્યાં છે. સરકારને કર્મચારીઓના પગાર કરવામાં પણ હાથ ટૂંકા પડી રહ્યાં છે, કારણ કે સરકારને ટેક્સની આવક મળતી નથી. સમિતિના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાએ મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કર્યો છે જેમાં સરકારે એટલું કહ્યું છે કે પુનરૂત્થાન માટે આ સમિતિએ 231 જેટલા સૂચનો કર્યા છે તેને અમલમાં મૂકવા પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોવિડની પરિસ્થિતિના પગલે આર્થિક નાણાંકીય અને અન્ય ગતિવિધિઓના ઉપાયો સૂચવવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને છ સભ્યોની સમિતીની રચના કરી હતી. આ સમિતિએ પોતાનો વચગાળાનો અહેવાલ બે સપ્તાહમાં રાજ્ય સરકારને આપ્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રીએ 14022 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું, જેમાં જનતાને રાહત મળી છે પરંતુ હવે સરકારને રાહત આપતો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.આજે આ સમિતિનો આખરી અહેવાલ વિજય રૂપાણીને આપવામાં આવ્યો છે. આ સમિતિએ આજે આપેલા પોતાના આખરી અહેવાલમાં મુખ્યત્વે જે બાબતો આવરી લીધી છે તેમાં આંતરમાળખાકીય સવલતો, સંસાધનો ઉત્પન્ન કરવાના પ્રયાસો, રાજ્યમાં મૂડીરોકાણ વધારવાના પ્રયાસો, રાજ્યનું નાણાકીય વ્યવસ્થાપન અને ભારત સરકારની નીતિઓનો લાભ જેવી બાબતોનો સમાવેશ કર્યો છે.
અઢિયા સમિતિના રિપોર્ટમાં સરકારને સ્વાવલંબી બનાવવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સરકારને ટેક્સ મારફત કમાણીના સાધનો બતાવવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇકોનોમી, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના પાંચ પિલ્લરો થકી કોવિડની મહામારી બાદ રાજ્યના અથર્તંત્રને અને વિકાસની ગતિને વેગવંતી બનાવવા આ અહેવાલ ઉપયોગી થશે તેમ કહેવાયું છે. આ સમિતિએ આપેલા આખરી અહેવાલમાં શહેરી માળખાકિય સુવિધાઓ માટેના જે સુચનો કર્યા છે તેમાં લેન્ડ મોનિટાએઝેશનની સુવિધા, મિલકત વેરાના નિયમોમાં સુધારો કરવો અને જંત્રી સાથે જોડવું, મહાનગર પાલિકાઓમાં પાણીના ઉપયોગની માપણીના મીટરની વ્યવસ્થા એક વર્ષમાં કરવા તેમજ પ્રથમ બે વર્ષમાં વાણીજ્યિક તથા ઔદ્યોગિક એકમોને આવરી લેવાના સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, શહેરી વિકાસ વિભાગની આશરે 53 સેવાઓને ઈ-નગર પ્લેટફોર્મ માધ્યમથી ઓનલાઈન કરવી, શહેરોમાં તથા આંતર જિલ્લામાં અવર-જવર માટેની રાજ્ય માર્ગ વ્યવહારની બસોમાં વધારો કરવો તથા તેનું નિજીકરણ કરવું, મિલકત વેરાની ચકાસણી માટે સેલ્ફ એસેસમેન્ટ અને સેલ્ફ ડિક્લરેશનને પ્રોત્સાહન આપવું તેમજ પીપીપી યોજના અંતર્ગત કામદારો તેમજ જરૂરીયાતમંદ લોકો માટે કેન્દ્ર સરકારની યોજનાઓ અનુસાર ભાડાના આવાસોની યોજના અને શહેરોમાં આવેલ ઝૂંપડાઓના પુનર્વસન માટેની નીતિ ઘડવી તેવા સૂચનો પણ આ સમિતિએ પોતાના આખરી અહેવાલમાં આપ્યા છે.
ડૉ. હસમુખ અઢિયા કમિટિએ રાજ્યના બંદરોની માળખાકીય સુવિધાઓ માટે પણ નીતિ ઘડવાની સૂચનો કર્યા છે, તેમાં બંદરો માટેના રેન્યુઅલ-કન્સેશન 60 વર્ષ સુધીની નીતિ, હયાત બંદરોનો-કેપ્ટીવ બંદરોનો પૂર્ણ ઉપયોગ કરવા બાબતની નીતિ, હયાત બંદરો નજીક મોટા ઔદ્યોગિક પાર્ક વિકસાવવા અને જીએમબીના કાર્યો ડિજિટાઇઝ કરવા જેવા સૂચનોનો સમાવેશ થાય છે.
આંતરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના કેન્દ્ર ગીફ્ટ સીટીમાં બુલિયન એક્સ્ચેન્જ, સ્પેશિયલ યુનિવર્સિટી, ઈન્ટર્નેશનલ આર્બિટરી સેન્ટર, નિફ્ટી ફ્યૂચર ટ્રેડીંગ જેવી સુવિધાઓ વિકસાવી તેમજ એન.આર.આઈ લોકો તથા વિદેશી લોકોને ફોરેન કરન્સી બેન્ક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવી જોઇએ તેવા સૂચનો પણ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે.આ સમિતિએ રાજ્યમાં સિંગલવીન્ડો સિસ્ટમની હિમાયત કરતાં જણાવ્યું છે કે, તમામ અરજીઓનું વર્ગીકરણ કરી તેને ત્રણ પ્રકારમાં ગણવી જોઇએ, જેમાં લઘુત્તમ મંજૂરીની જરૂરીયાત, ખાસ ક્ષેત્રો માટે એડ-ઓન મંજૂરીઓ અને સબસીડી સંબંધીત મંજૂરીઓ હોવી જોઇએ. સમિતિએ નોંધ્યું છે કે આ તમામ અરજીઓ માટે સમય મર્યાદા નક્કી કરવી. તમામ સરકારી વિભાગો દ્વારા ઉપલબ્ધ ડિજિટલ દસ્તાવેજોની યાદી તૈયાર કરવી અને તે તમામ ‘ડિજી-લોકર’ માં ઉપલબ્ધ કરાવવા સાથે રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં ઓનલાઈન પદ્ધિતિથી અરજીઓ સ્વીકારવી તથા ડિજિટલ સિગ્નેચર મારફતે મંજૂરી આપવી.
ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અંતર્ગત પોતાના અહેલવામાં જે સૂચનો સૂચવ્યા છે, તેમાં ઉદ્યોગો અને વ્યવસાયોની સેવાઓ માટે એક પોર્ટલ બનાવવું, વિલંબ અટકાવવા અરજીઓ બાબતે ઉભી થનાર ક્વેરી સાત દિવસમાં રિઝોલ્વ કરવી, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ હેઠળ કામદારોની સંખ્યા 10 થી વધારી 50 કરવી તેમજ લાઈસન્સની અવધિ વધારીને ત્રણ વર્ષ કરવી જોઇએ તેનો પણ સમાવેશ થાય છે.આ સમિતિએ સ્વાસ્થ્ય સુવિધાના માળખા માટે સ્વાસ્થ્ય સુવિધાઓ, વ્યાવસાયિક સંચાલન તેમજ સ્વાસ્થ્ય સંલગ્ન સંસ્થાઓને ‘ટેલીમેડિસીન’ પ્રોજેક્ટ સાથે જોડવા જોઇએ એવું સૂચન પણ અહેવાલમાં કર્યુ છે.