ગાંધીનગર – મારો પતિ મારી સાથે ઝઘડા કરે છે અને મને મારે છે તો મારે શું કરવું તેનું મને માર્ગદર્શન જોઇએ છે.મને કોરોના થઇ જશે તો હું હોસ્પિટલ નહીં જઉં પણ આપઘાત કરી લઇશ.મારા બાળકો ઘરમાં કંટાળી ગયા છે હું શું કરૂં.મને કોરોના થયો છે તેવા વિચારો સતત આવ્યા કરે છે, હું ટેસ્ટ કરાવું કે નહીં.આવા અનેક પ્રશ્નો સાથે કોરોનામાં શરૂ થયેલી ગાંધીનગર જિલ્લાની હેલ્પલાઇનમાં કોલ આવી રહ્યાં છે.
મને ટીવી જોવાથી ડર લાગે છે.કોરોનાના સમાચાર જોઇને મને રાત્રે ખરાબ સપનાં આવે છે.મને કોરોના થશે તો મારા પરિવારનું શું થશે… આ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લાના વહીવટી તંત્રએ જીવન આસ્થા નામની હેલ્પલાઇન સર્વિસ શરૂ કરી છે જેમાં લોકોનું કાઉન્સેલિંગ થાય છે.કોરોના સંક્રમણ વચ્ચે લોકોની લાઇફસ્ટાઇલ બદલાઇ છે.
2001ના ભૂકંપની જેમ 2020ના કોરોનાથી લોકો ડરી રહ્યાં છે. પોતાનું માનસિક સંતુલન ખોઇ રહ્યાં છે. ગાંધીનગર શહેરના એક પોલીસ કર્મચારી રાત્રે પથારીમાંથી ઉઠીને બોલે છે – ક્યાં છે કોરોના… લાવ મારી નાંખું.. એક વખત તે બેડ પરથી નીચે પડી ગયા તો તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકડાઉનમાં કઠણ કાળજાના લોકોની માનસિક સ્થિતિ બગડતી જાય છે. જીવન આસ્થા હેલ્પલાઇન પર ગાંધીનગર જિલ્લામાંથી રોજના 80 થી 100 જેટલા ફોન કોલ્સ આવે છે.
55 દિવસ સુધી ઘરમાં બેસી રહેલા પરિવારોમાં હવે ઝઘડા પણ શરૂ થયાં છે. જીવન આસ્થાનો હેલ્પલાઇન નંબર 1800 2333330 છે. આ નંબર પર કોલની સંખ્યા વધી ચૂકી છે, કાઉન્સિલરોના જણાવ્યા પ્રમાણે હવે લોકોના કોલ બિમારીથી બચવા માટેના ઉપાયોની જાણકારી માટે આવી રહ્યાં છે. શહેરની એક વ્યક્તિએ એવું કહ્યું કે સાહેબ મને સપનામાં કોરોના આવે છે. કોરોના મારી પાછળ પડ્યો છે અને હું દોડી રહ્યો છું. આવા લોકોનો માનસિક ઇલાજ ઓનલાઇન કરવામાં આવે છે.
આ હેલ્પલાઈનના કો-ઓર્ડીનેટર પોલીસ ઈન્સ્પેકટર પ્રવિણ વલેરાએ જણાવ્યું હતું કે ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારોમાં આપઘાતના બનાવો અટકાવવા માટે શરૂ કરાયેલી હેલ્પલાઈનમાં અત્યારે કોરોનાથી ગભરાઇ ગયેલા લોકોના ફોન આવી રહયા છે જેમનું યોગ્ય કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહયું છે. કોઈપણ વ્યક્તિને આ સમયે મનમાં ખરાબ વિચારો આવે તો તે આ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકે છે જેથી કાઉન્સિલરો દ્વારા તેમને મદદ કરવામાં આવે.