ભાવનગરના બોરતળાવમાં આજે વહેલી સવારે બે યુવાનોના મૃતદેહો તરતા હોવાની જાણ થતા પોલીસનો કાફલો અને ફાયર બિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંને મૃતદેહોને બહાર કાઢી પોલીસે પોસ્ટમોર્ટમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે કોલેજના બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં અકસ્માતે પડી જતા તેને બચાવવા જતા બીજો વિદ્યાર્થી પણ પાણીમાં તણાઇ જવાના કારણે બંનેના મોત નીપજ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગે સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર શહેરના બોર તળાવમાં વહેલી સવારે બે યુવાનોના મૃતદેહો તરતા હોવાની જાણ ઈ હતી. પોલીસે ફાયર બ્રિગેડ કાફલાને જાણ કરતા ફાયર ફાયટરોની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. દરમિયાન નદી કિનારે પડેલા બંનેના સ્કૂલ બેગ જોતા બંને વિદ્યાર્થીઓ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બે પૈકી એક વિદ્યાર્થીનું નામ ગોહિલ વિશ્વરાજસિંહ કિશોરસિંહ અને અન્ય એક મૃતક વિદ્યાર્થી ગોહિલ હરવિજયસિંહ સહદેવસિંહ હોવાનું તેમના કોલેજ આઇકાર્ડ જોતા જાણવા મળેલ છે. બે પૈકી ગોહિલ વિશ્વદીપસિંહ ભાવનગર આઈ.ટી.આઈ.માં વાયરમેન સ્ટ્રીમમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે અન્ય ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનીક ઇન્સ્ટીટ્યુટનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે આ વિદ્યાર્થી ભાવનગરનો નહીં પરંતુ રાજકોટનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.