રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવી રહી છે. હાલમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. બીજી તરફ, આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી આવી રહી છે. દેશભરમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભક્તો રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઊજવે છે, પરંતુ જો સરકાર 28 ઓગસ્ટ બાદ નવી ગાઈડલાઈન્સમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત ન આપે તો જન્માષ્ટમીના રાત્રે 12 વાગે મંદિરોમાં થતી કૃષ્ણ જન્મની ઉજવણી ભક્તોએ ઘરે જ કરવી પડશે, એટલે કે સતત બીજા વર્ષે પણ ભક્તોએ ઘરે જ કનૈયાના જન્મદિવસની ઉજવણી કરવાની રહેશે.
ભક્તોને પ્રવેશ મળશે કે નહીં એ સરકારના નિર્ણય પર છે: ભાડજ હરે કૃષ્ણ મંદિર
આ વર્ષની જન્માષ્ટમી ઉજવણી અંતે ભાડજ હરે કૃષ્ણ મંદિરના સંત શ્યામજીએ વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતની જન્માષ્ટમીની ઉજવણી ભક્તોના પ્રવેશ અંતે અમે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. બાકી ભગવાનની જે કંઈપણ વિધિ-પૂજા થાય છે એ તો થશે જ, પરંતુ ભક્તોને મંજૂરી આપવી કે નહીં એ રક્ષાબંધન બાદ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવશે, એવી જાણકારી અમને મળી છે, સાથે જ જે પણ સરકારનો નિર્ણય હશે એ અનુસાર અમે ઉજવણી કરીશું. ગત વર્ષે પણ ભક્તો વગર જ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ઘટ્યું છે છતાં અંતે સરકાર શું નિર્ણય લે છે એની અમે રાહ જોઈ રહ્યા છીએ.
વીરપુરનું સુપ્રસિદ્ધ જલારામ મંદિર જન્માષ્ટમીમાં બંધ
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમી તહેવારમાં બંધ રહેશે. આગામી 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ સુધી મંદિર બંધ રહેશે. જન્માષ્ટમીના તહેવારને પગલે કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને લઈને મંદિર અને અન્નક્ષેત્રમાં ભીડ ના થાય એ માટે 6 દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરને ગુરુવારથી ભક્તો પૂજ્ય જલારામ બાપાનાં દર્શન રાબેતા મુજબ કરી શકશે.
ગત વર્ષે પણ ભક્તો માટે મંદિરો રહ્યાં હતાં બંધ
ગત વર્ષે પણ કોરોનાને પગલે જન્માષ્ટમીના પાવન અવસર પર જગત મંદિર દ્વારકાનાં દ્વાર બંધ રહ્યાં હતાં. સંક્રમણ ન ફેલાય એ માટે 10થી 13 ઓગસ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. ભક્તોએ પણ જન્માષ્ટમીના દિવસે ભગવાનના ઓનલાઇન દર્શન કરવાં પડ્યાં હતાં. જોકે જન્માષ્ટમીના દિવસે ભગવાનની સેવા -જાની પરંપરામાં કોઈ ફેરફાર કરાયો નથી. સંતો દ્વારા મંદિરના દરવાજા બંધ રાખીને જન્માષ્ટમીનો તહેવાર ઊજવવામાં આવ્યો હતો. ત્યારે જો આ વર્ષે પણ સરકારની ગાઈડલાઈન્સમાં કોઈ ફેરફાર ન થયા તો ભક્તોએ ઘરે જ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઊજવવો પડશે.
સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે લોકમેળો રહ્યો બંધ
જન્માષ્ટમીના તહેવારોમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કહેરને લઇને આ મેળો રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેમજ રાજકોટમાં યોજાતા 100થી વધુ ખાનગી મેળા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટના ઇતિહાસમાં બીજીવાર 51 વર્ષ બાદ લોકમેળો રદ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં લોકમેળો 5 દિવસ અને ખાનગી મેળો 20 દિવસ સુધી ચાલુ હોય છે. લોકમેળાની 10 લાખ કરતાં પણ વધુ લોકો મુલાકાત લેતા હોય છે. ત્યારે આ વખતે તો મેળો જ બંધ રહેતાં લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. લોકમેળામાં જનમેદની ઊમટી પડતી હોય છે, જેથી સાવધાનીના ભાગ રૂપે લોકમેળો રદ કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટના મેળામાં પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે 2 લાખ લોકોને રોજીરોટી મળતી હતી, આ વર્ષે મેળો બંધ હોવાને કારણે નહીં મળે. પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકો મેળો માણવા આવતા હતા.
શું છે સરકારની હાલની ગાઈડલાઈન્સ?
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે, પરંતુ સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સરકારે થોડા સમય પહેલાં જ 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. એમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. આ પહેલાં 28 જુલાઈના રોજ 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી હતી તેમજ ગણેશોત્સવ ઊજવવાની પણ છૂટ આપી છે. તો શું 28 ઓગસ્ટ બાદ સરકાર પોતાની નવી ગાઈડલાઈન્સમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત આપી જન્માષ્ટમીનો તહેવાર પણ ઊજવવાની મંજૂરી આપશે કે નહીં એ જોવાનું છે. આ ઉપરાંત લગ્ન આ 8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.