સાસણ પાસે આવેલા દેવળિયા સફારી પાર્કમાં આજે સવારે વિફરેલો એક સિંહ વન કર્મચારી પર હુમલો કરી તેને જંગલમાં ઉપાડી ગયાની ઘટના સામે આવી છે. ઝૂનનમાં આવી ગયેલા આ સિંહે ટ્રેકરને બચાવવા આવેલી વન ખાતાની અન્ય ટૂકડી ઉપર પણ હુમલા કર્યા હતા. દરમિયાન સિંહે એક ફોરેસ્ટર તથા અન્ય વન કર્મચારી ટ્રેકરને પણ ગંભીર રીતે ઘાયલ કર્યાનું સામે આવ્યું છે. સિંહને કંટ્રોલ કરવા 100થી વધુ અધિકારી-કર્મચારીઓ સહિતના સ્ટાફે કવાયત શરૂ કરી દીધી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે ટ્રેકર સવારે પોતાનું રુટિન કામ કરી રહ્યા હતા. એ દરમિયાન વિફરેલા સિંહે એક ટ્રેકર નામ રજનીભાઈ નાથાભાઈ કેશવાલા પર હુમલો કરી દીધો. એટલું જ નહીં, આ ટ્રેકર જાણે શિકાર હોય તેમ તેને ઘસડીને ઝાડીઓમાં લઈ ગયો. દરમિયાન તેનું મોત થયાનું જાહેર થવા પામ્યું હતું. જ્યારે અન્ય એક કર્મચારી દિનેશ ભગવાનભાઈ સાંકડા પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. વનખાતાની ટીમ દ્વારા કરાયેલી શોધખોળમાં રજનીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટના સામે આવતાં જ વન ખાતાના અધિકારીઓ સહિતનો 100થી વધુ લોકોનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે વનખાતાનો કાફલો જોઇને સિંહે તેમના પર હુમલા કર્યા હતા. જેમાં એક ફોરેસ્ટર ભરડા પણ ઘાયલ થતા તેમને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા. દરમિયાન સિંહને કંટ્રોલ કરવા વનખાતાઓનું ઓપરેશન બપોર સુધી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.