ગુજરાત ગૌરવ દિન ૧લી મે ૨૦૧૭ની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લામાં થઇ રહી છે. જેના ભાગરૂપે તા.૩૦ અને ૧લી મેના રોજ ગૃહ વિભાગના અંદાજે ૧૦૧ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે યોજાશે, એવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આજે ગાંધીનગર ખાતે ૧લી મેની અમદાવાદ ખાતે થઇ રહેલ ઉજવણી સંદર્ભે ગૃહ વિભાગના વિવિધ વિકાસ કામોની વિસ્તૃત વિગતો આપના ગૃહમંત્રી જાડેજાએ કહ્યું કે, વિવિધ રાષ્ટ્રીય તહેવારો જેવા કે પ્રજાસત્તાક દિન, સ્વતંત્ર દિન તથા ગુજરાત સ્થાપના દિન જેવા તહેવારોની ઉજવણીમાં લોકો જોડાય અને લોકોને વિવિધ વિકાસ કામોની ભેટ ઝડપથી મળે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી જિલ્લા મથકોએ યોજવાનો નિર્ણય કર્યો હતો. જેને સફળતા મળતા આ કાર્યક્રમો જિલ્લા મથકોએ યોજવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે સંબંધિત જિલ્લાઓને વિવિધ વિકાસ કામોની ભેટ મળે છે. અને લોકો તેમાં જોડાઇને દિવાળી ઉજવતા હોય તેવો માહોલ જોવા મળે છે. આ વર્ષે ૧લી મે, ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અમદાવાદ જિલ્લા – શહેરમાં થઇ રહી છે.
૧લી મે, સંદર્ભે અમદાવાદ શહેરને ગૃહ વિભાગના વિવિધ માળખાગત સવલતોના રૂા.૧૦૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર છે, તેમાં રૂા.૮૦ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ નજીક નિર્માણ થનાર અદ્યતન સુવિધા સાથેની પોલીસ કમિશનર કચેરીના ભવનનું ખાત મુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશે. જેનાથી વિવિધ અલગ-અલગ જગ્યાએ બેસતી કચેરીઓ એક જ છત્ર હેઠળ આવતા પ્રજાજનોનો સમય બચશે. સાથે સાથે રૂા.૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ જેલ ભવનનું પણ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે તા.૩૦મી એપ્રિલના રોજ કરાશે. એ જ રીતે ૧લી મેના રોજ સવારે મુખ્યમંત્રી ઇન્દુચાચાની પ્રતિમાને તથા શહિદ સ્મારકને પણ પુષ્પાંજલી અર્પણ કરીને રૂા.૧૫.૬૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન સુવિધાયુક્ત હોમ ગાર્ડઝ્ ભવનનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.