ગાંધીનગર – ગુજરાત જમીન વિકાસ નિગમ એટલે કે જીએલડીસીમાં ભ્રષ્ટાચાર વધી જતાં સરકારે આ નિગમના ભ્રષ્ટાચારી અધિકારીઓની ધરપકડ કરાવી છે પરંતુ આ નિગમની જિલ્લા કચેરીઓનો વહીવટ હજી ચાલુ છે. સરકારને ભ્રષ્ટાચાર ઓછો પડ્યો હોય તેમ જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને છૂટો દોર આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે.
જમીન વિકાસ નિગમ એ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. આ નિગમની છોટાઉદેપુર ઓફિસમાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં જ્યંતિ પટેલ પાસેથી એસબીને 2.81 કરોડની મિલકતો મળી છે. આ કર્મચારી 36 વર્ષથી ભ્રષ્ટાચાર કરતો હતો.આ નિગમની ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાંથી 56 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા બાદ નિગમના એમડી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સેક્રેટરી સહિતના અધિકારીઓની એસીબીએ ધરપકડ કરી હતી. જમીન વિકાસ નિગમમાં ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલ્કત વસાવનારા કેએસ દેત્રોજા, એમકે દેસાઈ સહિતના અધિકારીઓ સામે અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ જીએલડીસીના અન્ય અધિકારીઓ એસીબીની તપાસનો સામનો કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની વડોદરા કચેરીના મદદનીશ નિયામક કેજી ઉપાધ્યય, પૂર્વ મદદનીશ નિયામક એનએચ પટેલ, ફિલ્ડ સુપરવાઇઝર કે જે શાહ, ક્ષેત્ર મદદનીશ એનસી રાઠવા તથા ગેંગ લીડરો મળીને ખેતરમાં તળાવ બનાવ્યા વગર રૂપિયા વાપરી નાંખ્યા હતા. 13 તલાવડી માત્ર કાગળ પર બતાવીને 11.64 લાખનું કૌભાંડ કર્યું હતું. આવો જ ભ્રષ્ટાચાર જૂનાગઢમાં પણ થયો હતો. 30 ખેત તલાવડી બનાવ્યા વિના 21.82 લાખનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરની મુખ્ય કચેરીની જેમ જિલ્લા કચેરીઓ પણ ભ્રષ્ટાચારથી ખદબદે છે છતાં જિલ્લા ઓફિસોને ચાલુ રાખવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતોની 21 યોજનાઓમાં 50 ટકાથી 100 ટકા સહાય દ્વારા રાજ્યસભામાં ખેત તલાવડીઓ બનાવવામાં આવે છે. આ નિગમને એન્ટી કરપ્શન બ્યુરોએ તહસનહસ કરી નાંખ્યું છે. બે ડઝન ઓફિસરોને પકડ્યા છે છતાં કૃષિ મંત્રી આરસી ફળદુની આ કચેરી રોકટોક વિના જિલ્લામાં ચાલી રહી છે. કૃષિ વિભાગના એક અધિકારી એવું બહાનું બતાવે છે કે જિલ્લાની કચેરીઓમાં હજી હિસાબો બાકી હોવાથી તેને ખુલ્લી રાખવામાં આવી છે પરંતુ હકીકતમાં જિલ્લા કચેરીઓના કેટલાક કર્મચારીઓ હજી પણ કૌભાંડો આચરી રહ્યાં છે. સરકારે વહેલીતકે આ કચેરીઓ બંધ કરાવી દેવી જોઇએ.