કેન્દ્રનાં સંસદ બજેટ દરમ્યાન કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારામણ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા અને દમણગંગા પીંગલ રીવર પ્રોજેક્ટ અંતર્ગત સાત જેટલા મહાકાય ડેમો બાંધવા ની કરેલી જાહેરાત બાદ આદિવાસી વિસ્તારમાં વિરોધ ના સુર ઉઠ્યા છે અને અહીંના લોકો પોતાના વાહનો ઉપર પણ ‘ડાંગ બચાવો અને ડેમ હટાવો’ ના સૂત્રો લખી ને આ પ્રોજેકટ નો વિરોધ કરતા નજરે પડી રહયા છે.
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા ના કાલીબેલ ગામ ખાતે પણ આ પ્રોજેકટ નો વિરોધ કરવા આદિવાસી સંગઠનોનાં નેતાઓની અધ્યક્ષતામાં ડાંગ બચાવો અને ડેમ હટાવો અંતર્ગત બેઠક યોજાઈ હતી જેમાં ડાંગ જિલ્લામાં બનનાર ત્રણ ડેમો ને લઈ કેટલાક ગામો પ્રભાવિત થવાની શક્યતાઓ ને લઈ આગેવાનો દ્વારા લોકઆંદોલન ની રણનિતી ઘડી કાઢી સર્વાનુમતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે ડાંગ જિલ્લાનાં આદિવાસી આગેવાન મુકેશભાઈ ચંદરભાઈ પટેલે ઉપસ્થિત લોકોને ડેમો બનશે તો કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે તે અંગેની સમજ પુરી પાડી હતી.
ગુજરાત આદિવાસી સમાજનાં પ્રમુખ પ્રદીપભાઈ ગરાસીયાએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી જનજીવનનાં હક્કો વિશે તથા તેઓને થતો અન્યાય બાબતે સમજ આપી હતી. તેઓ હંમેશા સમાજનાં પડખે રહશે તેમ જણાવી આ મહાકાય બંધોનો વિરોધ કર્યો હતો.
ડાંગ જિલ્લામાં ડેમ હટાવો અને ડાંગ બચાવો અંતર્ગત મળેલ બેઠકમાં સુનિલભાઈ ગામીત એડવોકેટ, માઈકલભાઈ, ચિરાગભાઈ, રોશનભાઈ, નિલેશભાઈ ઝાંબરે, લક્ષ્મણભાઈ બાગુલ, સુભાસભાઈ પાડવી તથા ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી, આમ આદમી પ્રભારી મનીષભાઈ મારકણા, ડાંગ યુવક કૉંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર, કૉંગ્રેસી આગેવાનોમાં મોહનભાઈ ભોયે, ગમનભાઈ ભોયે, તુસાર કામડી જેવા આગેવાનોએ સૂચિત ડેમોનો સખત વિરોધ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકારની સૂચિત ડેમ બનાવવાની યોજનાનાં મુદ્દે આદિવાસી સમાજ દ્વારા છેલ્લા 11 વર્ષથી લડત આપવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર આદિવાસી સમાજ દ્વારા આ પ્રોજેકટ નો વિરોધ કરવા અભિયાન છેડી દેવાયું છે.
