કચ્છ – વાગડમાં કમોસમી વરસાદ સાથે હળવા આંચકા આવતા લોકો માં ગભરાટ જોવા મળ્યો હતો. ભચાઉ તાલુકા માં ભારે પવન સાથે કરા નો પોણો ઇંચ જેટલો વરસાદ થયો હતો. રાપર તાલુકાના આડેસર, ગાગોદર અને કાનમેર સહિતના ગામોમાં વરસાદ સાથે રાપર અને ભચાઉ પંથકમાં ત્રણ હળવા ભુકંપ ના આંચકા નોંધાયાં હતા.
ભચાઉ તાલુકાની કાંઠાળ પટ્ટીના સામખિયાળી, છાડવારા, આમલીયારા, જંગી, વાઢિયા, ગોડપર, મોડપર, લખાસારી, લઘધીરગઢ, નવા કટારીયા, શિકારપુર, નારણસરી, નવાગામ, સુરજબારી સહિતના ગામોમાં બપોરે અકળાવતી ગરમી અનુભવાયા બાદ સાંજે પાંચ વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડા અને કરા સાથે અંદાજે પોણા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે પવનથી કેટલાક ગામોમાં ઘર પરથી પતરા ઉડી ગયા હતા અને વૃક્ષો નમી ગયા હતા.
લાકડિયામાં પણ કરા રૂપી આફત વરસી હતી. રાપર તાલુકાના આડેસરમાં ગત રાત્રે ઠંડી, દિવસે ગરમી અને સાંજે ઝાપટું પડતાં ત્રણ ઋતુનો અનુભવ થયો હતો. ગાગોદર, કાનમેર તેમજ આસપાસના વિસ્તારમા જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. કમોસમી વરસાદથી સીમાડા અને જંગલોમાં ઘાસ ચારો સંપૂર્ણ નાશ થવાની સંભાવનાએ પશુપાલકોમાં ચિંતા છવાઈ હતી. તો મીઠાના અગરોમાં પાણી ભરાતાં ઉત્પાદનમાં 25 ટકા જેટલો ઘટાડો આવશે તેમ જાણવા મળ્યું હતું. બીજી બાજુ વાગડમાં સતત ત્રીજા દિવસે આંચકાનો દોર જારી રહ્યો હતો અને શુક્રવારે વધુ 5 હળવા કંપન નોંધાયા હતા.
ગુરુવારના એક દિવસમાં 5 આંચકા બાદ રાત્રે 2.10 કલાકે ભચાઉથી 10 કિ.મી. દુર 1.4, શુક્રવારે સવારે 7.35 કલાકે દુધઇથી 21 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં 1.6, 8.44 કલાકે રાપરથી 11 કિ.મી. દુર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં 2.4, 9.12 કલાકે ભચાઉથી 7 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 2.2 અને 10.41 કલાકે દુધઇથી 27 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 2.3ની તીવ્રતા સાથે આંચકો આવ્યો હતો.
આમ કચ્છ માં વરસાદ સાથે ભુકંપ ના હળવા આંચકા નોંધવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.