ગુજરાતમાં હજુ શિયાળાનો પ્રારંભ પણ થયો નથી ત્યાં અત્યારથી જ જળસંકટ વધવા લાગ્યું છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાંથી ૨૭ તળિયાઝાટક થઇ ગયા છે જ્યારે ૧૧૯ જળાશયોનું જળસ્તર ૩૦%થી પણ ઘટી ગયું છે. શિયાળા અગાઉ જ આવી હાલત છે તો ઉનાળા સુધીમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૮.૯૩% જળસ્તર નોંધાયું છે.
આ વખતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા સિઝનનો માંડ ૭૬% વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું હતું. ગુજરાતના જળ વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ૧૬ નવેમ્બર સુધી રાજ્યમાં કુલ ૬ જળાશયો જ એવા છે જે હજુ સંપૂર્ણ ભરાયેલા છે. આ જળાશયોમાં દાહોદના કબુતરી, એડલવાડા,મચ્છાનલા ભરૃચના પિગુત, પંચમહાલના હડફ, ગીર સોમનાથના શિંગોડાનો સમાવેશ થાય છે. કુલ ૨૭ જળાશયોમાં ૯૦%થી વધુ, ૯ જળાશયોમાં ૮૦%થી ૯૦%, ૮ જળાશયોમાં ૭૦%થી ૮૦% જળસ્તર છે. કચ્છની વાત કરવામાં આવે તો ત્યાંના ૨૦ જળાશયોમાં હાલ માત્ર ૧૩.૬૬ % જળસ્તર નોંધાયું છે. સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાંથી માત્ર ૧ જ સંપૂર્ણ ભરાયેલું છે અને ત્યાં ૩૦.૦૨% જળસ્તર છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૯૪% જળસ્તર છે.
મધ્ય ગુજરાતમાંથી સૌથી વધુ ૪ જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે અને ત્યાંનું જળસ્તર ૮૫.૨૪% છે. મધ્ય પ્રદેશમાં સારા વરસાદને પગલે હાલમાં સરદાર સરોવર ડેમમાં જળસ્તરનું પ્રમાણ સારું છે. પરંતુ હજુ ઉનાળામાં જળસંકટ વધુ ઘેરું બને તેવી દહેશત પેદા થઇ છે.