નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રવેશ માટે વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. નોંધણીના પહેલા જ દિવસે NFSU ખાતે રેકોર્ડ બ્રેકિંગ 10,000થી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. જે NFSUના ઇતિહાસમાં વધુ એક સીમાચિહ્નરૂપ રેકોર્ડ બન્યો છે.
NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલે જણાવ્યું હતું કે ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSUના માર્ગદર્શન હેઠળ, NFSUમાં શૈક્ષણિક વર્ષ-2023-24 માટે માસ્ટર લેવલ સહિત નવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં NFSUના ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલને દેશભરમાંથી 10,178 રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયા છે. જે એક અભૂતપૂર્વ રેકોર્ડ છે. ગાંધીનગર-ગુજરાત ઉપરાંત, વિવિધ કેમ્પસો છે, જેમાં દિલ્હી, ત્રિપુરા, ગોવા, મણિપુર, ભોપાલ, ગુવાહાટી અને પુણેનો સમાવેશ થાય છે.
પ્રો. પોખરિયાલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે NFSUમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ 29 મે, 2023 છે. વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ફોરેન્સિક એડમિશન ટેસ્ટ (NFAT)-2023 લેવાશે. વિદ્યાર્થીઓ વધુ વિગતો માટે, www.nfsu.ac.in/admission પર ક્લિક કરી શકે છે. આ વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને તે સંબંધિત વિષયોમાં વિવિધ અભ્યાસક્રમોનો અભ્યાસ કરવા માટે જબરદસ્ત રસ દર્શાવે છે.