બાઈટ લિંક કરો ડાઉનલોડ :
https://we.tl/t-pFr92UmZy8
—————————————
જામનગરમાં અનેક શિવાલયો આવેલ છે એટલે જ તો જામનગરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. શિવ મંદિરોથી ઓળખાતું નગર અન્ય એક મંદિરના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. એ મંદિર એટલે બાલાહનુમાન મંદિર, વીસમી સદીના સાતમાં દાયકામાં બિહારથી સંત પ્રેમ ભિક્ષુજી મહારાજ અહી આવ્યા અને લાખોટા લેકના કિનારે બાલાહનુમાન મંદિરે વર્ષ ૧૯૬૪ની પહેલી ઓગસ્ટના રોજ રામધુનની શરૂઆત કરી. શરુઆતના તબક્કાથી જ રાત દિવસ રામધુનની ગૂંજ ગૂંજતી થઇ, પછી તેમાં તબલા, હાર્મોનિયમ અને માઈક જેવા વાધ્યો ભળતા ગયા સાથે સાથે ભાવિકોનો પ્રવાહ પણ અવિરત બાલાહનુમાન મંદિર તરફ જોડતો ગયો, વર્ષ ૧૯૬૪થી શરુ થયેલ અતિ ઉર્જાવાળી રામધૂનને હાલ ૫૯ વર્ષ ચાલી રહ્યું છે.
ભૂકંપ અને કોરોના કાળમાં પણ અવિરત
બાલાહનુમાન મંદિરનો મહિમા ખુબ જ છે એટલે તો સ્થાનિક ઉપરાંત બહાર ગામથી ભાવિકોનો પ્રવાહ સતત હનુમાનજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવવા સતત તલપાપડ થતો જોવા મળ્યો છે. દિવસ કે રાત, ચોમાસું હોય કે શિયાળો હોય કે પછી હોય ઉનાળાની બળબળતી બપોર, અહીં રાઉન્ડ ધ કલોક રામધુન ગૂંજતી રહી છે. ઓર તો ઓર, ૨૦૦૧ના વિનાશક ભૂકંપ વખતે પણ અહીં વિરામ લીધા વિના રામ ધૂનની ગૂંજ અવિરત રાખવામાં આવી, આ ઉપરાંત કોરોના કાળમાં સમગ્ર દેશમાં લોક ડાઉન હતું ત્યારે પણ અહીં સામાજિક અંતર સાથે પાંચ સભ્યો દરરોજ રામધૂનની સૂરાવલીઓ લહેરાવતા રહ્યા છે.
બે વખત ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
ભારતભરમાં હનુમાનજીના અનેક નાના મોટા મંદિર આવેલ છે પણ અહીં મંદિરની વિશેષતા એ છે કે, અહીં નિજ મંદિરમાં રામ ભગવાન, સીતાજી અને લક્ષ્મણ ત્રણેયની દિવ્ય મૂર્તિઓની સાથે હનુમાનજી બિરાજમાન છે અંતે તમામની એક સાથે જ પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં ચાલતી અખંડ રામધૂનને બે વખત ગીનીઝ બુકમાં સ્થાન પામી છે. એક ઘડીના વિરામ વગર અહીં છેક ૫૯ વર્ષથી ‘શ્રી રામ જાય રામ જય જય રામ’ની દિવ્ય ગુંજ ગુંજી રહી છે. જેમાં સ્થાનિક નાગરિકો, ભાવિકો થી માંડી નામી-અનામી કલાકારો જોડાય છે.
ધ્વજા ચડાવવાનો નવો અધ્યાય શરુ થયો છે બાલાહનુમાન મંદિરે
આમ તો દેશમાં એવા અનેક મંદિરો છે જ્યાં ભાવિકો દ્વારા દરરોજ ધ્વજા ચડાવવાનો મહિમા રહેલો છે. દ્વારકાના જગતમંદિરે ધ્વજા ચડાવવામાં છેક દસ વર્ષ સુધીની પ્રતીક્ષા યાદી ચાલી રહી છે. અહીં બાલાહનુમાન મંદિરે સ્થાનિક ટ્રસ્ટ દ્વારા ધ્વજા ચડાવવામાં આવે છે પણ હવે ભાવિકો માટે પણ ધ્વજા ચડાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. હવે દરરોજ એક ભાવિકની ધ્વજા અહીં ચડશે, જો ભાવિકોનો પ્રવાહ વધશે તો બપોર બાદ પણ ધ્વજા ચડાવવામાં આવશે એમ ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ખંભાળીયા ખાતે પણ આગામી સમયમાં બાલાહનુમાન મદિર બનાવવામાં આવશે એમ પણ નક્કી કરવામાં આવ્યું છે.