સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠું વરસાદ અને સાથે વાવાઝોડું ત્રાટક્યું હતુ. જેમાં સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ પાંચ વખત વરસાદ માવઠું પડ્યું હતુ. જેમાં ખેડૂતોને જીરું, ઘંઉ, ચણા, અજમો, એરંડા અને વરીયાળી જેવા ઉભા પાકમાં મોટું નુકસાન વેઠવું પડ્યું હતુ. ત્યારે આ બાબતે ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કૃષિ નિયામક અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. અને મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અને એસ.ડી.આર.એફ. બંનેના નિયમ મુજબ ખેડૂતોને વળતર ચુકવવા માંગણી કરવામાં આવી હતી. અને તાત્કાલિક સર્વેની કામગીરી ચાલુ કરી ખેડૂતોને વળતર ચુકવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.
….સુરેન્દ્રનગર જિલ્લામા નાના મોટા પાંચ માવઠા થયા હતા. તેમ છતાં કેમ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવી નહીં ? ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, કુલ સર્વે ટીમ 568 કામે લગાવવામાં આવી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલી ટીમ સર્વેની કામગીરીમાં જોડાઈ હતી ? ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નુકસાન સર્વે કરવા માટે કૃષિ તજજ્ઞ સાથે વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવક સાથે ગ્રામ સમિતી સાથે રહેશે, તો જીલ્લામા સર્વેમા કોઈપણ એક ગ્રામ સમિતીની સહીઓ અને ખેડૂતની સહીઓ લીધેલી હોય તો એક ગામનું આ રીતે સર્વે કરેલુ બહાર પાડી જાહેર કરો.જ્યારે માવઠું થયું અને ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન થયું તેના 72 કલાકમાં સર્વે કરવાનું હોય તો પણ સર્વે કેમ થયેલુ નહીં ? આખા ગુજરાતમાં 20 માર્ચ બાદ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. તો 72 કલાકમાં એકપણ ખેડૂતનું નુકસાન સર્વે થયેલુ કેમ નથી ? સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમા માવઠું વરસાદ 2-3 માર્ચ 7-8 માર્ચ 17-18 માર્ચ વરસાદ થયેલો હોય અને સર્વેની કામગીરી 20 માર્ચ બાદ શરૂ થયેલી હોય તો વળતર માટે ખેડૂતો બગડી ગયેલો પાક પાંચ દિવસ કે પંદર દિવસ ખેતર ઉપર રાખે ? ના તો ખેડૂતો દ્વારા પાક લઈ લીધેલ હોય ત્યારબાદ સર્વે થાય પાંચ પંદર દિવસે તો ચોક્કસ નુકસાન કઈ રીતે બહાર આવે ?
…સુરેન્દ્રનગર જિલ્લાના સર્વે કામગીરીમા કોણ કૃષિ તજજ્ઞની નિમણુંક કરવામાં આવી હતી ? ગુજરાત સરકાર દ્વારા કોઈ એવી જાહેરાત કરવામાં આવી નથી કે, માવઠું વરસાદથી પાકને નુકસાન થયું હોય તે ખેડૂતોએ અરજી કરવી, તેમછતાં સુરેન્દ્રનગર કૃષિ નિયામક દ્વારા પોતાના કાયદાઓ હોય તે રીતે અરજી કરવાનુ કહ્યું હતુ કે કેમ ? અને હા આ કહ્યાં બાદ જીલ્લાના 500 ખેડૂતોએ નુકસાન બાબતે અરજી કરેલી હતી,તો તે તમામ ખેડૂતોના ખેતર સર્વે નંબર મુજબ કેમ સર્વે કરવામાં આવેલ નથી. અને ગ્રામ સમિતી સાથે ખેડૂતને કેમ સાથે રાખવામાં આવ્યા નથી. અને અરજી મુજબના કેટલા ખેડૂતોનું સર્વે કરવામાં આવ્યું છે ? ગ્રામ સમિતી અને ખેડૂતોની સહીઓ પંચ રોજકામમા લીધી છે ? ઉચ્ચ અધિકારી દ્વારા તમામ તાલુકાના ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારીઓને મૌખિક આદેશ કરવામાં આવેલો હતો કે, એકપણ ખેડૂતનું સર્વેમાં 33 % નુકસાન બતાવવું નહીં. અને કોઈપણ સર્વે કર્યા વગર ફકત ઓફિસ પર બેઠાબેઠા જ સર્વે ની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા કૃષિમંત્રી દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવેલો હોય ત્યારે ખેડૂતો ના છુટકે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરશે. અને તમામ સવાલોના જવાબો મિડીયાની હાજરીમાં કૃષિ નિયામક કચેરીની ઓફિસ બહાર બેસી માંગશે અને આ બાબતે ખેડૂતો લડતનું રણશિંગુ ફૂંકશે. તેમ રામકુભાઈ કરપડાએ વિવિધ સવાલો સાથે જણાવ્યું હતું.

