ભગવાન સોમનાથની નિશ્રામાં આગામી દિવસોમાં ઐતિહાસિક સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને દેશની એકતા અને અખંડિતતા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમ અંગે મંગળવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ખીલજી-ગઝનીના આક્રમણથી મુદરાઇ હિજરત કરી ચૂકેલા મૂળ સૌરાષ્ટ્રના લોકોને ફરી વતનમાં લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, રેલવે દ્વારા આ કાર્યક્રમ માટે ખાસ 10 ટ્રેન દોડાવવાની યોજના બનાવાઈ છે.
17થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળે આયોજન
મળતી માહિતી મુજબ, હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું કે, આગામી 17થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સદીઓ પહેલા હિજરત કરી તમીલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના અનેક લોકો સહભાગી બનશે. તેમણે કહ્યું કે, વર્ષો પહેલા ગઝની અને ખીલજીએ સોરઠ પર આક્રમણ કર્યું હતું, જેના કારણે સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો સ્થળાંતર કરીને તમિલનાડુના મદુરાઈ અને તેના નજીકના વિસ્તારોમાં જઈને સ્થાયી થયા હતા.
ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, કલા સહિતનું આદાન-પ્રદાન થશે
આ લોકોને સૌરાષ્ટ્રિયન-તમિલ તરીકે પણ ઓળખાયા. જ્યારે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન આવા નાગરિકો ખાસ 10 ટ્રેન મારફત ગુજરાત આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર-તમિલ સંગમ હેઠળ પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો થશે. આ કાર્યક્રમ થકી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન-પ્રદાન થશે. તેમણે કહ્યું કે, અલગ-અલગ 9 શહેરોમાં રોડ-શોનું આયોજન કરીને સૌરાષ્ટ્રિયન તમિલ લોકોને ગુજરાતમાં આવવા માટે આમંત્રિત કરવામાં આવશે.ગુજરાતમાં તેમનું સન્માન પણ કરવામાં આવશે. ગુજરાતમાં વિવિધ સ્થળોએ સંગીત, લોકગાયન, ડ્રામા, ચિત્રકામ, પ્રદર્શન, હસ્તકલા, ભાષાના વર્કશોપ, શોપિંગ ફેસ્ટિવલ, બિઝનેસ મીટ અને સપોર્ટ્સ વગેરેનું પણ આયોજન કરવામાં આવશે.