કંગાળ થઈ ચૂકેલા પાકિસ્તાનમાં ખોરાકની અછત છે. લોકો લોટ લેવા માટે અનેક કિલોમીટર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. લોટ માટેની લડાઈ લોકોનો જીવ લેવા સુધી આવી ગઈ છે. સાથે જ લોટ માટે મચેલી નાસભાગમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અહેવાલો વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનથી ગુપ્ત રીતે ઘઉં અફઘાનિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે, જ્યારે કે પાકિસ્તાનના લોકો ભૂખે મરી રહ્યા છે.
આ સંદર્ભે, સિંધ અબ્દગર બોર્ડ ‘SAB’ ના સ્થાનિક નેતાઓ અને નાના ઉત્પાદકોએ સિંધ સરકારને અફઘાનિસ્તાનમાં ગુપ્ત રીતે ઘઉં મોકલનારાઓને રોકવાની માંગ કરી છે. જો આ દાણચોરી રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઘઉંની મારામારી જોવા મળશે એમ તેમણે જણાવ્યું હતું. એટલા માટે તેને યોગ્ય સમયે કાબુમાં લેવો જોઈએ.
તેમણે હૈદરાબાદ, મીરપુરખાસ, શહીદ બેનઝીરાબાદ, સક્કુર અને લરકાના વિસ્તારોથી અફઘાનિસ્તાનમાં ઘઉંની ગેરકાયદેસર હેરફેરમાં કથિત રીતે સંડોવાયેલા ખાદ્ય અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. આ લોકોનું કહેવું છે કે મોટા વેપારીઓ અધિકારીઓને વાહન દીઠ 75 હજારથી એક લાખ રૂપિયા સુધીની લાંચ આપી રહ્યા છે.
ઘઉંથી ભરેલા 200 વાહનોની દૈનિક અવરજવર
લોકોનો આરોપ છે કે 1 માર્ચથી, દરરોજ 200 ઘઉં ભરેલા વાહનો દાદુ જિલ્લાના જોહી, ખૈરપુર નાથન શાહ, મેહર અને દાદુ તાલુકામાંથી અફઘાનિસ્તાન જઈ રહ્યા છે. ખાદ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસ તેમને સરહદ પાર કરવામાં મદદ કરે છે. અહીંના ઘઉં ઉત્પાદકોનો આરોપ છે કે સ્થાનિક ખાદ્ય અધિકારીઓ અને દાદુ વહીવટીતંત્રના અધિકારીઓ ઘઉં ભરેલા વાહનોને ચેક કરવાના બહાને લાંચ લે છે. આ કિસ્સામાં, સિંધના ખાદ્ય વિભાગના ડિરેક્ટર સૈયદ ઈમદાદ શાહે જણાવ્યું કે ઘઉંની દાણચોરીમાં સામેલ લોકોના લાયસન્સ 2023ની ખરીદીની સિઝનમાં 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.