માતા-પિતા અભ્યાસ બાબતે વારંવાર ઠપકો આપતા હોવાથી નારાજ બાળકોની શાંતિપૂર્વક સમજાવટ કરી
પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માતો ના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે, વાહન અકસ્માતના બનાવો બની રહ્યા હોવાના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને વાહન ચેકિંગની કામગીરી થઈ રહી છે. પોરબંદર રાજકોટ હાઇવે રોડ પર અકસ્માતના વધુ બનાવો બનતા હોવાથી પોલીસ કર્મચારીઓને અપાયેલ સૂચનાથી વાહન ચેકીંગ ડ્રાઇવ યોજાઈ હતી. કુતિયાણા પો.સ્ટે ના પો.સબ.ઇન્સ એ.બી.દેસાઇ તથા એ.એસ.આઇ એસ.ડી.કોઠીવાર તથા પો.હેડ.કોન્સ આર.જે.રાડા તથા પો.કોન્સ અશોક હિરાભાઇ જાડેજા સહિત ચૌટા ચેકપોસ્ટ ખાતે સાંજના સમયે વાહન ચેકીંગ કરતા હતા, તે દરમ્યાન રાજકોટ તરફથી એક બાઇક લઇ બે બાળકો આવતા હતા. તેમને રોકાવી તેઓની પુછપરછ કરતા શરૂઆતમાં તેઓએ જણાવેલ કે, તેઓ પોરબંદર રહે છે અને બીલડી તેમના પિતાને મળવા ગયા હતા. પરંતુ તેમની પાસે શાળાના સ્કુલ બેગ સાથે હોય અને તેમના જવાબમાં શંકા જતા તેમને પ્રેમથી ફોસલાવી શાંતિથી પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, અમો રાજકોટ શહેર કેવડાવાડી વિસ્તારમાં એકજ એપાર્ટમેન્ટમાં સાથે રહીએ છીએ. અને અમો બંન્ને મિત્રો છીએ અને માતા-પિતા અભ્યાસ બાબતે વારંવાર ઠપકો આપતા હોય, જેથી મનમાં લાગી આવતા બંન્ને મિત્રો એપાર્ટમેન્ટ માંથી બાઇક લઇને ભાગી આવેલનું જણાવતા તેઓને આવુ નહી કરવા સમજ કરી અને તુરંતજ તેઓના માતા-પિતાને સ્કુલના આઇકાર્ડમાં મોબાઇલ નંબર હોય જેથી તેઓનો સંપર્ક કરતા તેઓને તેમના બાળકો કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે હોય તુરંત પોલીસ સ્ટેશન ખાતે આવી જવા જાણ કરી હતી. ત્યાર બાદ આ બંન્ને બાળમિત્રોને પોલીસ સ્ટેશનમાં લાવી મહીલા સ્ટાફ દ્રારા તેમને પ્રેમભાવે સમજાવટ કરી તેઓના માતા-પિતાને કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સોંપી આપવામાં આવ્યા હતા.