નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ટ્રાયફેડના સંયુક્ત ઉપક્રમે “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ હેઠળ ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યો અને ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વયથી હાથશાળ – હસ્તકલાના કલા-કારીગરોને યોગ્ય માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરૂં પાડવાના આશય સહ તા. ૨૬ થી ૨૮ માર્ચ દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે ત્રિદિવસીય મેળો “હસ્તકલા હાટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની પૂર્વ તૈયારી અંતર્ગત જર્મન ડોમની કામગીરી અને જરૂરી તમામ વ્યસ્વસ્થાની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ હસ્તકલા મેળામાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળીને કુલ ૮ રાજયોના ૧૦૦થી વધુ કારીગરો દ્વારા ક્રાફ્ટ સ્ટોલમાં તેમની હસ્તકલા નિહાળી શકાશે, તથા ઓર્ગેનિક ફૂડનાં ૪૯ જેટલા સ્ટોલમાં વિવિધ રાજયોની અવનવી ખાદ્ય વસ્તુઓ આરોગી શકાશે. આ મેળામાં ૫૦થી વધુ સ્ટોલમાં ગુજરાત રાજ્યના માટી કામ, કચ્છી બાંધણી, અજરખ બ્લોક પ્રીન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી- દુપટ્ટા-શાલ વુલન- હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વગેરે હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું જીવન નિદર્શન કરવામાં આવશે. તેમજ શીતલ પટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ, ટેક્ષટાઈલ, હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટ વગેરે જેવી જુદા જુદા રાજ્યોની વિવિધ કલા-કારીગરીના કામણ કારીગરો પાથરશે. આ મેળાને સફળ બનાવવા માટે ઈ.ડી.આઈ.આઈ-વડોદરા, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. રાજકોટ તથા અમદાવાદ અને માધવપુર (પોરબંદર) દ્વારા સંયુકત ઉપક્રમે જહેમત ઉઠાવી રહ્યા છે. ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી.એમ. શુકલના દિશા સૂચન હેઠળ તથા ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ પ્રવીણ સોલંકી, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર મમતા હિરપરાએ હસ્તકલા હાટમાં કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજકોટની રંગીલી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

