જેરુસલેમમાં બુધવારે સતત બીજી રાતે હિંસા ચાલુ રહી, જયારે પેલેસ્ટિનિયનોએ ઓલ્ડ સિટીના સંવેદનશીલ કમ્પાઉન્ડમાં આવેલી અલ-અક્સા મસ્જિદની અંદર પોતાની જાતને બંધ કરી લીધા અને ઇઝરાયેલી પોલીસે તેમને ખાલી કરવા બળનો ઉપયોગ કર્યો. જેરુસલેમમાં તણાવ વચ્ચે બુધવારે રાત્રે ગાઝા પટ્ટીથી રોકેટ પણ છોડવામાં આવ્યા હતા. હિંસાની આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે મુસ્લિમો પવિત્ર રમઝાન માસની ઉજવણી કરી રહ્યા છે.
દરમિયાન, યહૂદીઓ અઠવાડિયા સુધી ચાલતા પાસોવર તહેવારની તૈયારી કરી રહ્યા છે. પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટે અહેવાલ આપ્યો છે કે હિંસાની તાજેતરની ઘટનાઓમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. મસ્જિદ સંકુલનું સંચાલન કરતા ઇસ્લામિક વક્ફના અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે ભીડને વિખેરવા માટે સ્ટન ગ્રેનેડ અને રબરની ગોળીઓ ચલાવી હતી.
અલ-અક્સા મસ્જિદ પર હુમલો કર્યો
ઇઝરાયલી પોલીસે જણાવ્યું કે કાયદાનો ભંગ કરતા ડઝનેક કિશોરોએ અરાજકતા સર્જી હતી, અધિકારીઓ પર પથ્થરો અને અન્ય વસ્તુઓ ફેંકી અને પોલીસને સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કાર્યવાહી કરવા દબાણ કર્યું. વક્ફએ મસ્જિદમાં આખી રાત નમાજ કરવા માટે હાકલ કરી હતી, જેને પગલે વધુ પેલેસ્ટિનિયનોને મસ્જિદમાં ભેગા થયા હતા. પોલીસ અધિકારીઓ ડઝનેક પેલેસ્ટિનિયનોને મસ્જિદના કમ્પાઉન્ડમાંથી બહાર લઈ જતા જોયા હતા. ઇઝરાયેલી પોલીસે બુધવારે સવારે જેરૂસલેમના જૂના શહેરમાં આવેલી અલ-અક્સા મસ્જિદ પર હુમલો કર્યો અને પથ્થરમારો કરી રહેલા પેલેસ્ટિનિયનો પર સ્ટન ગ્રેનેડ છોડ્યા.
રમઝાન દરમિયાન ભક્તોની ભીડ
દરમિયાન, ગાઝાના ઉગ્રવાદીઓએ દક્ષિણ ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા, જે બાદ ઇઝરાયેલે હવાઇ હુમલા કર્યા. ઇઝરાયેલની સેનાએ કહ્યું કે તે પછી સ્થિતિ શાંત થઈ, પરંતુ સાંજે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ગાઝાથી વધુ બે રોકેટ છોડ્યા. આ ઘટનાઓથી બંને પક્ષો વચ્ચેનું ઘર્ષણ વધુ ઉગ્ર બનવાની આશંકા વ્યક્ત કરી છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બે વર્ષ પહેલા પણ આવું જ ઘર્ષણ થયું હતું અને તે પછી સંઘર્ષ 11 દિવસ સુધી ચાલ્યો હતો. અલ-અક્સા મસ્જિદ એક સંવેદનશીલ ટેકરી પર સ્થિત છે જે યહૂદીઓ અને મુસ્લિમો બંને માટે પવિત્ર સ્થળ છે. અલ-અક્સા એ ઇસ્લામમાં ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે અને રમઝાન દરમિયાન તીર્થયાત્રીઓની ભારે ભીડ રહે છે.