વંદે ભારત એક્સપ્રેસના આવ્યા બાદ ભારતીય રેલ્વેમાં મોટો ફેરફાર થયો છે. લોકો સારી સુવિધા સાથે ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છે. આ સાથે મોદી સરકારે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દેશના મુખ્ય પવિત્ર સ્થળોને પણ જોડ્યા છે. જેના કારણે યાત્રાધામોની યાત્રાઓ અવિરત બની છે. શનિવારે પીએમ વધુ બે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.
વંદે ભારત એક્સપ્રેસના 13 ઓપરેશનલ રૂટમાંથી, ચાર મહત્ત્વના રૂટ ભારતના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત તીર્થ સ્થળોને જોડે છે. આમાં નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, છત્રપતિ શિવાજી ટર્મિનસ (મુંબઈ)-શિરડી અને સિકંદરાબાદ-તિરુપતિ (નવી શરુ થયેલી)નો સમાવેશ થાય છે.
એટલું જ નહીં, પીએમ નરેન્દ્ર મોદી નેશનલ હાઈવે-744ના રોડ પ્રોજેક્ટના નિર્માણનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ મદુરાઈમાં મીનાક્ષી મંદિર, શ્રીવિલ્લીપુથુરમાં અંડલ મંદિર અને કેરળમાં સબરીમાલા જેવા દક્ષિણના કેટલાક સૌથી પવિત્ર સ્થળોની મુલાકાત લેતા તીર્થયાત્રીઓ માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરશે.
યાત્રાળુઓને સારી કનેક્ટિવિટીનો લાભ મળે છે. તે વેપારને પ્રોત્સાહન આપીને, નોકરીઓનું સર્જન કરીને અને આતિથ્ય, હસ્તકલા અને ખાદ્ય સેવાઓ જેવા આનુષંગિક ઉદ્યોગોનો વિકાસ કરીને સ્થાનિક અર્થતંત્રોને પણ મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 એપ્રિલે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે. આ શનિવાર-રવિવારે તેઓ દક્ષિણ ભારતના રાજ્યોનો પ્રવાસ કરશે. તે પહેલા શનિવારે તેલંગાણા જશે. ત્યારબાદ સિકંદરાબાદમાં વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન બાદ, તેઓ પરેડ ગ્રાઉન્ડ હૈદરાબાદ ખાતે અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
આ પછી પીએમ ચેન્નઈ જશે. ત્યાં તેઓ ત્રણ વાગ્યે ચેન્નઈ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. સાથે જ ચાર વાગ્યે વંદે ભારત એક્સપ્રેસને એમજીઆર રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ તેરમી વંદે ભારત એક્સપ્રેસ હશે. ત્યાર બાદ સાડા પાંચ વાગ્યે તેઓ રામકૃષ્ણ મઠ મયલાપુરા ખાતે રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠના કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 6.30 કલાકે અલ્સ્ટોમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
આ પછી રવિવારે સવારે 7.15 વાગ્યે, તેઓ કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વની મુલાકાત લેશે. સવારે 11 કલાકે પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લેશે.