અરવલ્લી જિલ્લામાં હાલ માં જ કમોસમી માવઠું થયું હતું, જેને લઇને ખેડૂતો ને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જેમાં મોડાસા તાલુકાના ઈસરોલ, દધાલિયા, ઉમેદપુર, મરડિયા, જીવણપુર તેમજ વણિયાદ, કોકાપુર, મોરા, મુલોજ તેમજ મોદરસુંબા ગામનો સમાવેશ થયો હતો. પણ હવે કુદરતના માર પછી વીજ તંત્રનો માર ખેડૂતોને પડવા લાગ્યો હોય તેવું લાગે છે. પહેલા માલપુર તાલુકાના જીતપુર ગામે ખેડૂતના 4 વીઘાનો પાક બળી ગયો, તો હવે મોડાસા તાલુકાના ઈસરોલ ગામે ખેડૂતની મકાઈ બળી જવાની ઘટના સામે આવી છે.
મોડાસા તાલુકાના ઈસરોલ ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. માધુપુર રોડ પર મકાઈના ખેતરમાં અચાનક અગ લાગતા અફરા – તફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના ખેડૂતો તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ પર કાબૂ મેળવાયો પરંતુ અડધા વીઘાની મકાઈ બળીને ખાક થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ વીજ લાઈનમાંથી તણખલા પડતા આગ લાગી હોવાનું જાણાવા મળ્યું હતું. ભારે જહેમત બાદ ખેડૂતો તેનો અન્ય પાક બચાવી લીધો હતો.