અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા થોડા સમય પહેલા ટ્રાફિકની સમસ્યાને લઇને મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકીથી તલાટી ચોરા સુધી વન વે અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું, જેની અમલવારી થઈ રહી છે, પણ હવે બજાર વિસ્તારના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તાથી તલાટી ચોરા સુધીના વેપારીઓએ મોડાસા નગર પાલિકા ખાતે આ અંગે રજૂઆત કરી છે અને જાહેરનામુ રદ્દ થાય તેવી માંગ કરી છે.
મોડાસાના વેપારીઓએ નગર પાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે કે, કલેક્ટર દ્વારા ચાર રસ્તાથી તલાટી ચોરા સુધી વન વે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જેને લઇને બજારમાં ગ્રાહકોની અવર-જવર ઓછી થઈ છે અને તેની સીધી અસર તેમના રોજગાર ધંધા પર પડી છે અને નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓએ કોરોનાનો હવાલો આપતા જણાવ્યું કે, હાલતમાં કોરાનાને કારણે મહામંદીમાંથી બેઠા થયા છે.
મોડાસા નગર પાલિકામાં લેખિતમાં રજૂઆત કરતા વેપારીઓએ વન વે જાહેરનામાનો સખત વિરોધ દર્શાવી જાહેરનામાને રદ્દ કરવાની માંગ કરી છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો ગાંધી માર્ગે તેઓ આંદોલન કરશે.