ભારત વિકાસ પરિષદ-પોરબંદર શાખા અને સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે તા.૨૩-૦૩-૨૩ને ગુરુવારના રોજ સ્વસ્તિક હોલ ખાતે શહીદ દિન નિમિત્તે દીપ પ્રાગટય દ્વારા પુષ્પાંજલી સાથે દેશભક્તિ ગીતો સાથે સંગીતમય સ્વરાંજલિ-વિરાંજલી અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ-પોરબંદર શાખાના કાર્યકારી પ્રમુખ વિનેશભાઈ ગોસ્વામીએ સંસ્થા નો પરિચય આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત અતિથિઓ પૈકી બિપીનચંદ્ર ઉનડકટે સ્વદેશી જાગરણ મંચનો પરિચય આપતાં જણાવ્યું કે આજે લોકોએ સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ કેળવવાની જરૂર છે. તેમણે વ્યક્તિગત કૌશલ્ય કેળવી આર્થિક રીતે પગભર થવા યુવાઓને અપીલ કરી હતી. તેમના સહયોગી લલિતભાઈ ચાંદેગ્રાએ વેદોક્તિ સાથે જણાવ્યું કે ઈશ્વર દરેકને પૃથ્વી ઉપર ખાસ વિશેષતા સાથે મોકલે છે, જેને આપણે ઓળખી શકીએ તે રીતે વ્યક્તિત્વનો વિકાસ કરવો જોઈએ.
કોષાધ્યક્ષ હરદત્તપુરી ગોસ્વામીએ ત્રણેય શહીદનો પરિચય આપતાં જણાવ્યું હતું કે આઝાદી માટે લાખો ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા છે, આજની આઝાદી માટે આઝાદીના લડવૈયા તેમજ રાષ્ટ્રપ્રેમી મહાપુરુષોનું કોઈ ને કોઈ રીતે મહત્વનું યોગદાન રહ્યું છે. આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચના પ્રાંત વિચારક વિભાગ પ્રમુખ બિપીનચંદ્ર ઉનડકટ, વરિષ્ઠ માર્ગદર્શક બાબુભાઈ પાંજરી તથા લલિતભાઈ ચાંદેગ્રા, સંગઠન મંત્રી પંકજભાઈ ચંદારાણા, દુર્ગાબેન લાદીવાલા, મીનાબેન પાણખાણીયા, ચૈતાલીબેન મસાણી, ચંદ્રિકાબેન પરમાર, પ્રજ્ઞાબેન લુક્કા, પાયલ ગોસ્વામી, મનોજભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
સ્વસ્તિક ગ્રુપ ભક્તિસંગીત શિબિરના બાળકોએ ભારતમાતા કી જયનો નાદ ગુંજવ્યો હતો. ભારત વિકાસ પરિષદ-પોરબંદર શાખાના સચિવ નિધિબેન શાહે તમામ કાર્યક્રમનું સંચાલન કરીને ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો. આમ રાષ્ટ્રપ્રેમ અને અનેરી દેશદાઝ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. સહુને અલ્પાહાર સાથે સ્વદેશી જાગરણ મંચની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દરરોજ સાંજે ૭થી ૮ સહુ કોઈને આત્મ નિર્ભર સ્વરોજગાર અંગે દીપેશ હોલ (પાંજરાપોળ રોડ) ખાતે માર્ગદર્શન આપવામાં આવશે.

