વાવ તાલુકાના લાલપુરા નજીક કેનાલમાં ગાબડું પડતા બાજુના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ખેતરમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જેના કારણે પાકને નુકશાન થયું હતું. તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બનતા નુકસાનીના વળતરની માંગ કરવામાં આવી છે.
- કેનાલનું 20 ફૂટનું ગાબડું પડ્યું
- 10 વીઘામાં વાવેતર કરેલો પાક ધોવાયો
- એરંડા અને બાજરીના પાકો પર પાણી ફરી વળ્યા
- ખેડૂતો દ્વારા નુકસાનીનું વળતર આપવા માંગ
બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. આજે વાવ તાલુકાના લાલપુરા નજીક આવેલી એટા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. 10 વીઘામાં વાવેતર કરેલા એરંડા અને બાજરીના પાકો પર પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ કેનાલમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરના મીલી ભગતના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ફરી એકવાર સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડતા એરંડાનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો છે. વાવેતર કરેલા બાજરીમાં જાણે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતે મોંઘા ભાવે બિયારણ ખાતર ખેડાઈ ખર્ચ કરીને એરંડાનું વાવેતર કર્યું હતું, પરંતુ નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતાની સાથે એરંડાનો પાક પાણીમાં ઘરકાવ થયો છે.
ગુણવત્તા ના જળવાતા ગાબડું પડવાનો સિલસિલો
જો કે, ખેડૂતો દ્વારા અવારનવાર નર્મદાના અધિકારીઓને જાણ કરવા છતાં અધૂરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાની કામગીરીના કારણે કેનાલની ગુણવત્તા ના જળવાતા ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓના પાપે લાખો રૂપિયાનું નુકસાન થતા તાત્કાલિક સર્વે કરી પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરાવવામાં આવી છે.
આ વિસ્તારોમાં પણ નુકશાન
સરહદી વિસ્તાર વાવ ભાભર સુઇગામ અને થરાદ પંથકમાં અવારનવાર ગાબડાઓ પડતા ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે જો કે, એક તરફ કુદરતી માવઠાનો માર તો બીજી તરફ નર્મદા અધિકારીના પાપે લાખો રૂપિયાનું નુકસાન હાલ તો ખેડૂત વેઠી રહ્યા છે. સરકાર દ્વારા કેનાલની યોગ્યતા જળવાય અને ખેડૂતોને પૂરું પૂરું વળતર મળેને તેવી હાલ ખેડૂતોની માંગ છે.