ધરમપુર નજીક બાયપાસ રોડ પાસે રોંગ સાઇડમાં વાહનોની અવરજવરને લીધે સર્જાઈ રહ્યા છે અકસ્માતઃ નેશનલ હાઈવે ઓથોરીટીએ જંકશનની વ્યવસ્થા કરવી જરૂરી બનીઃ સાંજના સમયે ઈવનીંગ વોક માટે સર્વિસ રોડ અને હાઈવે ઉપર નીકળતા લોકો ચેતેઃ કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટમંત્રીને થઈ રજૂઆત
પોરબંદર-વનાણા-રાણાવાવ હાઈવે ઉપર વાહન અકસ્માતોની હારમાળા વધી છે. જેનું મુખ્ય કારણ ધરમપુર નજીક બાયપાસ રોડ પાસે રોંગ સાઇડમાં વાહનોની અવરજવરને લીધે આવા બનાવો વધ્યા છે. તેથી સાંજના સમયે ઈવનીંગ વોક માટે સર્વિસ રોડ અને હાઈવે ઉપર નીકળતા લોકો ચેતે તેવી જાગૃતિ ફેલાવવાની સાથોસાથ કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટમંત્રીને રજૂઆત થઇ છે.
પોરબંદરના ધરમપુર નજીક ગઇકાલે વધુ એક વાહન અકસ્માતનો બનાવ બનતા કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા દોડી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે,આ રસ્તા ઉપર વારંવાર અકસ્માત બની રહ્યા છે. કારણ કે, ધરમપુર નજીક બાયપાસ રોડ પાસે રોંગ સાઇડમાં વાહનોની અવરજવરને લીધે અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે. માટે અહીંયા નેશનલ હાઈવે ઓથોરીટીએ જંકશનની વ્યવસ્થા કરવી જરૂરી બની છે. તેમ જણાવીને કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ કેન્દ્રીયમંત્રી નીતીન ગડકરીને રજુઆત કરી જણાવ્યું છે કે, પોરબંદરના ધરમપુર નજીક બાયપાસ રોડ પાસે જંકશનની વ્યવસ્થા કરવી જરૂરી બની ગઇ છે. કારણ કે ત્યાંથી હાલ વાહનચાલકોને રોંગ સાઇડમાં સર્વિસ રોડ પર બે કી.મી. સુધી જવું પડતું હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. દ્વારકા સોમનાથ નેશનલ હાઇવેનો બાયપાસ રોડ ધરમપુર નજીકથી પસાર થાય છે ત્યાં નીચેની સાઇડમાં સર્વિસ રોડ પરથી આવતા વાહનોને ફરજીયાતપણે બે કી.મી. સુધી સાઈડમાં જવું પડે છે. કારણ કે ત્યાં જંકશનની વ્યવસ્થા કરવામાં આવી નથી. ચાર રસ્તા ભેગા થાય ત્યાં જંકશન બનાવી આપવામાં આવે તો વાહનચાલકો રોંગ સાઈડમાંથી પસાર થવું પડશે નહીં અહીંયા ધરમપુર પાટીયાથી બાયપાસ સુધી રોંગસાઈડમાં જવું પડતું હોવાથી નાના મોટા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક લોકો અકસ્માતે મૃત્યુ પણ પામ્યા છે. તેથી તંત્ર દ્વારા આ મુદ્દે પુરતા પ્રમાણમાં વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની જાય છે. બ્રિજની નીચે સર્કલ બનાવી દેવામાં આવે તો વાહન ચાલકોને અવર જવરમાં પણ સરળતા રહેશે તેવી રજૂઆત પણ રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા કરવામાં આવી છે તથા ઈવનીંગ વોકમાં સર્વિસ રોડ સહિત મુખ્ય હાઈવે પર ચાલતા લોકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે તે અંગે પણ જાગૃતિ ફેલાવીને હાઈવે પર એ રીતે જોખમી અવરજવર નહી કરવા અપીલ કરી હતી.