ટીનેજર્સ અને બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે તેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સલામતીના પગલા ભરવા જરૂરી બન્યા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને થઇ રજૂઆત
પોરબંદર સહિત રાજયભરમાં કોરોનાની પાંચમી લહેર મક્કમગતિએ પોતાની આગેકુંચ કરી રહી છે ત્યારે તેને અટકાવવા માટે રાજયસરકારે ગંભીરતાપૂર્વક પગલા લેવા જરૂરી બન્યા છે તેવી રજૂઆત સાથેનું આવેદન મુખ્યમંત્રીને પોરબંદર કૉંગ્રેસ દ્વારા મોકલવામાં આવ્યું છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,પોરબંદર સહિત ગુજરાતભરમાં કોરોનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને કોરોનાની આ સંભવિત પાંચમી શહેરમાં બાળકો અને તરૂણ-તરૂણીમાં કોરોનાના કેસ વધુ માત્રામાં જોવા મળી રહ્યા છે.અગાઉ બીજી અને ત્રીજી લહેર વખતે તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું તેવી પરિસ્થિતિ હવે સર્જાઈ નહીં તે માટે રાજય સરકારે ગંભીરતાથી પગલા લઈને પૂરતા પ્રમાણમાં તકેદારી રાખવી જરૂરી બની છે.ખાસ કરીને હાલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓના આયોજન થઇ રહ્યા છે અને પરીક્ષાના સમયે જ ચિંતાજનક હદે વધી રહેલા કોરોનાના વધતા જતા કેસ ઉપર જો સમયસર બ્રેક નહીં મારવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડવાની સાથો-સાથ તેની વર્ષભરની મહેનત ઉપર પણ પાણી ફરી વળે તેવી શક્યતા જણાઈ રહી છે માટે રાજયસરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયની દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તથા જરૂર જણાય તો કોલેજોમાં પણ માસ્ક અને સેનેટાઈઝર સહિત સુવિધા તાત્કાલિક ગોઠવવી જોઈએ તેમજ શાળા સંચાલકોને સુચના આપીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવું જોઈએ
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,ભૂતકાળમાં રાજયસરકાર કોરોનાની લહેર વખતે કુંભકર્ણ નિંદ્રામાં હતી અને જુદીજુદી સરકારી હોસ્પિટલોમાં ઓક્સીજનની પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ નહીં હોવાથી અને પુરતો તબીબી સ્ટાફ નહીં હોવાથી અસંખ્ય માનવ જિંદગીઓ કોરોનાના ખપ્પરમાં હોમાઈ ચુકી છે તેથી તેવી પરિસ્થિતિનું ફરીવાર નિર્માણ થાય નહી તે માટે રાજય સરકારે અગમચેતીના પગલા ભરવા જોઈએ અને જુદીજુદી હોસ્પિટલોમાં મોકડ્રીલ જેવા નાટકીય આયોજન કરવાને બદલે જે રીતે ગૃહમંત્રીના આદેશથી જેલમાં અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા એ જ રીતે હોસ્પિટલોમાં અચાનક તપાસ હાથ ધરીને કોરોના સામે ઝઝૂમવા માટે પૂરતા પ્રમાણમાં સુવિધાઓ છે કે કેમ તેની તપાસ હાથ ધરવી જોઈએ તે ઉપરાંત યોજાતા સરકારી અને રાજકીય કાર્યક્રમો અને મેળાવડાઓમાં પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તે માટે આદેશ આપવા જોઈએ.
પોરબંદર જીલ્લામાં ગ્રામ્યપંથકમાં કોરોનાનું સંક્રમણ વધારે માત્રામાં ફેલાઈ રહ્યું છે.તેથી ગ્રામ્ય વિસ્તારના આરોગ્યાલયોમાં કોરોના સામે લડવાની યોગ્ય રણનીતિ ઘડી કાઢવી જોઈએ જરૂરીયાત મુજબનો મેડીકલ સ્ટાફ અને પૂરતા પ્રમાણમાં દવાઓ સહિત ઇન્જેક્શન બાટલા અને ઓક્સીજનની સુવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવી જોઈએ તેવી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.