કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા અઢી વર્ષમાં ત્રણગણી વધીને 150થી પણ વધુ સંખ્યામાં હોવાનું વનવિભાગનું માનવુ છે. આ દુર્લભ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે.
….કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. રણમા આવેલા કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્બ બેટ પર થોડા દિવસો અગાઉ દુર્લભ રણલોંકડીના એકસાથે નવ જીવંત દર મળી આવ્યા બાદ વનવિભાગના જણાવ્યાનુસાર અગાઉ રણમાં રણલોંકડીની સંખ્યા અંદાજે 40થી 50 સુધી હતી. જે છેલ્લા બે અઢી વર્ષમાં ત્રણગણી વધતા હાલમાં કચ્છના નાના રણમાં અંદાજે 150થી વધુ દુર્લભ રણલોંકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રણલોંકડી એ ભુખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળુ પ્રાણી છે. રણલોંકડી એ કદમાં શિયાળ કરતા નાનું અને દોડવામાં પાવરધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ 80 સેમી વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે. તે સામાન્ય રીતે સુકા, પાંખા ઝાડીવાળા જંગલ તથા વીડમાં જોવા મળે છે. લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણી મોટેભાગે જોડીમાં જોવા મળે છે. સાંજના સમયે રણલોંકડી તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે. રાત્રે અને સાંજના સમયે વિશિષ્ઠ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે.
…માનવીય ખલેલથી પર એવા કચ્છના નાના રણમાં અગાઉ રણમાં અંદાજે 40થી 50ની સંખ્યામાં રણ લોંકડી હતી. હાલમાં કચ્છના નાના રણમાં રણલોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા છે. હાલમાં રણમાં અંદાજે 150થી વધુ રણલોંકડી હોવાનો અંદાજ છે. જ્યારે રણમાં આવેલા પુમ્બ બેટ પરતો રણલોંકડીના એકસાથે નવ જીવંત દર પણ જોવા મળ્યા હતા. આ સિવાય વેરાન રણમાં દુર્લભ કાળીયારનું ઝુંડ અને વરૂની પણ હાજરી જોવા મળી છે. કચ્છના નાના રણમાં આવેલા ઝીંઝુવાડા રણ વિસ્તારમાં મોટી સંખ્યામાં દુર્લભ રણ લોંકડી જોવા મળતા ઝીંઝુવાડા રણ રણલોંકડીનું નવુ આશ્રયસ્થાન બન્યું હોવાનું ઝીંઝુવાડાના જીવદયા પ્રેમી ભરતસિંહ ઝાલા ગર્વભેર જણાવે છે. રાત્રીના સમયે ઝીંઝુવાડા રણમાં આ દુર્લભ રણલોંકડીઓ પોતાના વિશિષ્ટ અવાજથી પોતાની હાજરીનો પુરાવો આપે છે.

