યુએસ-કેનેડા બોર્ડર પર મહેસાણાના ચૌધરી પરિવારના મોત બાદ વધુ ત્રણ ગુજરાતીઓ ગુમ થયા છે. કેનેડાની ક્વિબેક-ન્યૂયોર્ક બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી જતાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હજુ ત્રણ ગુજરાતીઓ કેનેડામાં ગુમ છે.
પોલીસનું માનવું છે કે જે બોટમાં તમામ મૃતકો સવાર હતા તેમાં આઠ નહીં પરંતુ 19 લોકોને અમેરિકા મોકલવાના હતા. જેમાંથી સાત ગુજરાતના રહેવાસી હતા. પોલીસને એવી પણ શંકા છે કે આ લોકોને કેનેડા થઈને અમેરિકા મોકલવામાં આ વ્યક્તિના એજન્ટ સહિત કુલ ત્રણ લોકો સામેલ છે. તો બીજી તરફ આ ઘટનાની નોંધ લીધા બાદ રાજ્ય સરકારે આ કેસની તપાસ CID-ક્રાઈમના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને સોંપી છે.
સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા મહેસાણાના ચૌધરી પરિવારના અંતિમ સંસ્કાર ગુજરાત અથવા કેનેડામાં થશે. ગુજરાત પોલીસ હાલમાં કેનેડિયન અને યુએસ પોલીસ સાથે મળીને આ કેસની તપાસ કરી રહી છે, આગામી દિવસોમાં સંડોવાયેલા એજન્ટોની ધરપકડ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
સેન્ટ લોરેન્સ નદીમાં થયેલા આ અકસ્માતમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ
સેન્ટ લોરેન્સ નદીમાં થયેલા આ અકસ્માતમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં એક તરફ મહેસાણાના માણેકપુરા ગામના રહેવાસી પરીવાર ગુમ થયો છે, આ તમામ કેનેડાની સરહદ પાર કરીને અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. કલોલ જિલ્લાના ડીંગુચાના ચાર જણના પરિવારનું કેનેડાથી યુએસમાં પ્રવેશ કરતી વખતે ઠંડીના કારણે મોત થયા બાદ આ ઘટના છેલ્લા વર્ષમાં ત્રીજી ઘટના છે.
30 માર્ચે સેન્ટ લોરેન્સ નદીમાંથી આઠ લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા
કેનેડિયન રેસ્ક્યુ ટીમે 30 માર્ચે સેન્ટ લોરેન્સ નદીમાંથી આઠ લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા, પરંતુ બોટ ચલાવતો વ્યક્તિ હજુ પણ ગુમ છે. તેમજ મહેસાણાના ચૌધરી પરિવાર સાથે બોટમાં સવાર અન્ય ગુજરાતીઓ કોણ હતા? આ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી પ્રાપ્ત થઈ નથી. બોટમાં સવાર અન્ય એક ગુજરાતી પરિવારમાં પતિ-પત્ની અને તેમના ચાર વર્ષના બાળકનો સમાવેશ થતો હતો. આ ત્રણ લોકોને પણ એજન્ટોએ ચૌધરી પરિવાર સાથે ટુરિસ્ટ વિઝા પર કેનેડા મોકલ્યા હતા. ચૌધરી પરિવાર ઉપરાંત સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા ત્રણ લોકોના પરિવાર પર પણ પોલીસને શંકા છે.