અરવલ્લી જિલ્લાના કુણોલ,કિશનગઢ અને વાંકાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આરોગ્ય સેવાઓની ગુણવત્તાના માપદંડમાં ખરાં ઉતરતાં ભારત સરકારના નેશનલ હેલ્થ સિસ્ટમ રીસોર્સીસ સેન્ટર યુનિટ દ્વારા નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ સિસ્ટમ રીસોર્સીસ સેન્ટર (એનએચએસઆરસી)યુનિટ દ્વારા માર્ચ-૨૦૨૩માં અરવલ્લી જિલ્લાની મુલાકાતે બે ટીમોને મોકલીને ભિલોડા તાલુકાના કિશનગઢ અને વાંકાનેર અને મેઘરજના કુણોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ૬ વિભાગોનું મૂલ્યાંકન કરાયુ હતુ. કલેકટર ડૉ.નરેદ્રકુમાર મિના, ડીડીઓ કમલ શાહ, સીડીએચઓ ડૉ. એમ.એ.સિદ્દીકીના માર્ગદર્શનથી જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ ઓફિસર, ડૉ.કૌશલ પટેલની આગેવાની હેઠળ ત્રણેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું રાજ્ય કક્ષાએ મૂલ્યાંકન કર્યા બાદ કેન્દ્ર કક્ષાએ મોકલ્યુ હતુ. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર અપાતી આરોગ્ય સેવાઓના એસેસમેન્ટમાં ૭૦ ટકાથી વધુ સ્કોર થાય તો કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ક્વોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ)નુ સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. પીએચસી કિસનગઢને 95.47%, પીએચસી કુણોલને 93.79%, પીએચસી વાંકાનેરને 87.21% ને મળેલ છે.
કયા વિભાગોનું મૂલ્યાંકન કરાયું હતું ?
અરવલ્લી જિલ્લાના પ્રા.આ.કેન્દ્રો-કુણોલ, કિશનગઢ અને વાંકાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઓપીડી, લેબોરેટરી, લેબર રૂમ, આઈપીડી(ઈન્ડોર પેશન્ટ ડીપાર્ટમેન્ટ), નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેટીવ બાબતે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમોએ મૂલ્યાંકન કર્યુ હતુ. ૧૦૦ માર્કસના સ્કોરમાંથી મળતાં માર્કસના આધારે ત્રણેય આરોગ્ય કેન્દ્રોને નેશનલ ક્વોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ) સર્ટીફિકેટ આપવામાં આવ્યુ છે.
કેન્દ્ર સરકારના એનએચએસઆરસી યુનિટ દ્વારા એનક્યુએએસ સર્ટીફિકેટ આપવામાં આવ્યુ છે. આ ક્વોલીટી સર્ટીફિકેટ મળવાથી કેન્દ્ર સરકાર દ્વારા વધારાની વાર્ષિક રૂપિયા ૩ લાખની ગ્રાન્ટ ત્રણ વર્ષ સુધી મળે છે. જેથી આરોગ્ય સેવાઓમાં સુધારો થવાનો દર્દીઓને ફાયદો મળે છે