કિમ જોંગ ઉન ભલે એક પછી એક બેલેસ્ટિક મિસાઈલનું સતત પરિક્ષણ કરી રહ્યા હોય, પરંતુ અમેરિકા દરેક વખતે ઉત્તર કોરિયાને પડકાર આપી રહ્યું છે. અમેરિકાએ ફરીથી જાપાન અને દક્ષિણ કોરિયા સાથે સમુદ્રમાં સબમરીન સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. આ બાબતથી ફરી એકવાર ઉત્તર કોરિયાને મરચું લાગી રહ્યું છે. હવે આનાથી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધી શકે છે.
દક્ષિણ કોરિયા, યુએસ અને જાપાનની નૌકાદળોએ સોમવારે છ મહિનામાં તેમની પ્રથમ સબમરીન વિરોધી એક્સરસાઇઝ શરૂ કરી, જેનો ઉદ્દેશ ઉત્તર કોરિયાના વધતા મિસાઇલ ખતરા સામે તેમના સંકલનને મજબૂત બનાવવાનો છે. ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં આવા પરમાણુ હથિયારો સામે આવ્યા છે, જેના કારણે 2017 પછી તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવાની શક્યતા વધી ગઈ છે. આ પૃષ્ઠભૂમિમાં જ ત્રણ દેશોની આ બે દિવસીય સબમરીન વિરોધી એક્સરસાઇઝ થઈ રહી છે.
પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ યુએસએસ નિમિત્ઝ એરક્રાફ્ટ કેરિયર પણ એક્સરસાઇઝમાં સામેલ
દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે દરિયાઈ કવાયત દક્ષિણ કોરિયાના દક્ષિણી ટાપુ જેજુ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં થઈ રહી છે. નિવેદન અનુસાર, આમાં પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ યુએસએસ નિમિત્ઝ એરક્રાફ્ટ કેરિયર અને દક્ષિણ કોરિયા, યુએસ અને જાપાનના નૌકા વિનાશક જહાજનો સમાવેશ થાય છે. કવાયતનો ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાની સબમરીનથી લોંચ કરાયેલી બેલેસ્ટિક મિસાઇલો અને અન્ય શસ્ત્રો દ્વારા ઉભા થતા પાણીની અંદરના સુરક્ષા જોખમોનો જવાબ આપવા માટે ત્રણ દેશોની ક્ષમતામાં સુધારો કરવાનો છે.
ઉત્તર કોરિયા દ્વારા સબમરીનથી લોંચ કરાતી મિસાઈલો અમેરિકા અને તેના સહયોગી દેશો માટે મોટો ખતરો છે, કારણ કે આ મિસાઈલોને પહેલાથી ઓળખવી કે જોવી ખૂબ જ મુશ્કેલ છે. ઉત્તર કોરિયાએ તાજેતરના વર્ષોમાં પાણીની અંદર અદ્યતન મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.