હાલ ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન પેપર ફૂટ્યાનો વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે. યુવા નેતા યુવરાજ સિંહે એક ટ્વિટ કરીને વધુ એક પેપર ફૂટ્યાની માહિતી આપી છે. યુવરાજ સિંહે જણાવ્યું કે ધો.12નું કમ્પ્યુટર પેપર કથિત રીતે લીક, વાયરલ થયું હોવાનો દાવો કર્યો છે.
જણાવી દઈએ કે, યુવરાજ સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર એક ટ્વિટ કરી આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહે દાવો કર્યો છે કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બોર્ડના પરીક્ષા કેન્દ્ર પરથી પેપર લીક થયું છે. આ સાથે યુવરાજસિંહે એક કાર્યકર્તા મિત્ર દ્વારા પેપર મોકલાવ્યું હોવાની વાત પણ કરી છે. યુવરાજ સિંહે તેમના ટ્વિટમાં પેપરના કેટલાક ફોટા પણ શેયર કર્યા છે. જો કે, સોશિયલ મીડિયામાં ફરતું પ્રશ્નપત્ર સાચું છે કે ખોટું તે અંગે તપાસ શરૂ કરવામાં છે.
યુવારજ સિંહે કર્યું આ ટ્વિટ
ટ્વીટ કરતા યુવરાજસિંહે લખ્યું કે, ‘આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં “”#કોમ્પ્યુટર_વિષય”” ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સએપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવામાં આવેલ છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી. વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે 3થી 6.15.’ જો કે, યુવરાજ સિંહના આ ટ્વીટ બાદ હડકંપ મચી ગયો છે. પેપરલીક અંગે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા પેપર લીક અને વાયરલ કરનારા લોકો સામે કડક પગલા લેવા માગ કરવામાં આવી રહી છે.
શિક્ષણ બોર્ડે આપી પ્રતિક્રિયા
બીજી તરફ શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પેપેર લીક નથી થયું. પરંતુ, પેપર વાયરલ કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. આ મામલે તેમણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું પણ કહ્યું હતું. જો કે, વારંવાર પેપલ લીક અથવા વાયરલ થવાની ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે.