ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી સામાન્ય જનતા પણ અવગત થાય તે હેતુંથી ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ યુ-ટ્યુબ ચેનલ પર ગુજરાત વિધાનસભામાં ચાલતી કાર્યવાહીના વીડિયો અપલોડ કરવામાં આવશે. જોકે, આ ચેનલ પરના વીડિયો સેન્સર્ડ હશે. એટલે કે તમામ કાર્યવાહી લાઇવ બતાવવાને બદલે અમુક જ કાર્યવાહીના વીડિયો સંકલન કરીને અપલોડ કરવામાં આવશે.
યુ-ટ્યૂબ ચેનલ માટે લોગો પણ તૈયાર કરાયો
જણાવી દઈએ કે, બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત વિધાનસભાની યુ-ટ્યૂબ ચેનલનું શુભારંભ કરવામાં આવ્યું છે. આ યુ-ટ્યૂબ ચેનલ પર વિધાનસભા સંકૂલમાં થતી કાર્યપ્રણાલીના વીડિયો અપલોડ કરવામાં આવશે, આથી જાહેર જનતા ગૃહમાં થતી સંસદીય બાબતો અંગે માહિતી મેળવી શકશે. ગુજરાત વિધાનસભાની યુ-ટ્યૂબ ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ લોગો ગૃહમાં થયેલા કાર્યક્રમના વીડિયોમાં પણ જોવા મળશે.
સંકલન કરીને વીડિયો અપલોડ કરાશે
માહિતી મુજબ, ગુજરાત વિધાનસભાની યુ-ટ્યૂબ ચેનલ પર ગૃહમાં ચાલતી કાર્યવાહીના જે વીડિયો અપલોડ કરવામાં આવશે તે સેન્સર્ડ હશે. એટલે કે તમામ કાર્યવાહી લાઇવ બતાવવાને બદલે અમુક કાર્યવાહીના વીડિયો સંકલન કરીને અપલોડ કરવામાં આવશે. નોંધનીય છે કે, ઘણીવાર કેટલાક સભ્યો વિધાનસભામાં ચર્ચા દરમિયાન બિનસંસદીય શબ્દોનો ભાષણમાં ઉપયોગ કરતા હોય છે અને આવાં શબ્દોને અધ્યક્ષ વિધાનસભાના રેકર્ડ પરથી દૂર કરાવે છે. આથી આવા કોઈ શબ્દો વીડિયોમાં પ્રસારિત ન થાય તે માટે વિધાનસભાની કાર્યવાહીના વીડિયોનું સંકલન કરીને તેને યુ-ટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે.
અગાઉ થતું હતું જીવંત પ્રસારણ
ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ પર તમામ ધારાસભ્યોના પ્રશ્નો, મંત્રીઓના જવાબો, ગૃહમાં થયેલી વિવિધ ચર્ચાઓ વગેરેના વીડિયો સંકલન કરીને અપલોડ કરવામાં આવશે. આથી માહિતી મુજબ, વિધાનસભાએ પોતાની આધિકારિક વેબસાઈટ પર ગૃહની કાર્યવાહી સંદર્ભના દસ્તાવેજો નિયમિત મૂકાય તેવું પણ નક્કી કર્યું છે. જણાવી દઈએ કે, આ પહેલા વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરી શકાતું હતું. પરંતુ ભૂતકાળની એક ઘટના બાદ તત્કાલિન અધ્યક્ષે નિર્ણય લીધો હતો કે મંજૂરી વિના વિધાનસભાની કાર્યવાહીના વીડિયો અથવા ફોટોગ્રાફ જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ, માત્ર બજેટના દિવસે નાણામંત્રીનું નિવેદન લાઇવ કરી શકાય છે.