રાજ્યમાં રખડતાં ઢોર અને શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતાં ઢોર અને શ્વાનના હુમલાથી રાહદારીઓને ગંભીર ઇજાઓ થઈ હોવાના કેટલાક બનાવ સામે આવ્યા છે. જ્યારે કેટલાક કિસ્સામાં તો લોકોએ જીવ પણ ગુમાવ્યો પડ્યો છે. ત્યારે શ્વાનના હુમલાની વધુ એક ઘટના અમદાવાદના બહેરામપુરાથી સામે આવી છે. અહીં, એક્ટિવા સવાર મહિલાઓ પાછળ રખડતાં શ્વાન દ્વારા હુમલો થતા મહિલાએ એક્ટિવા પરનું સંતુલન ગુમાવ્યું હતું અને તે પાર્ક કરેલી એક કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને મહિલાને ગંભીર ઇજા થઈ છે જ્યારે એક બાળકને સામાન્ય ઇજા પહોંચી હોવાની માહિતી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
શ્વાનનું ટોળું એક્ટિવા પાછળ દોડ્યું
હાલ સોશિયલ મીડિયા પર એક સીસીટીવીના ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ ફૂટેજ અમદાવાદના બહેરામપુરા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ફૂટેજમાં દેખાય છે કે બે મહિલા સહિત એક નાનું બાળક એક્ટિવા પર સવાર છે. બાળકે સ્કૂલ ડ્રેસ પહેર્યો છે. દરમિયાન રખડતાં શ્વાનનું એક ટોળું તેમની એક્ટિવા પાછળ દોડે છે. આથી એક્ટિવાચાલક મહિલા ગભરાઈ જાય છે. તેનું ધ્યાન શ્વાન પર હોવાથી તે એક્ટિવા પરનું સંતુલન ગુમાવે છે અને રોડ પર સાઇડમાં પાર્ક એક કાર સાથે ધડાકાભેર અથડાય છે.
વહીવટી તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ
આ અકસ્માતથી બંને મહિલા હવામાં ફંગોળાઈને નીચે પટકાય છે. જ્યારે બાળક પણ નીચે પડે છે. જો કે, સદનસીબે બાળકને સામાન્ય ઇજા પહોંચી છે પરંતુ, બંને મહિલાને ગંભીર ઇજા થઈ હોવાની માહિતી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં શ્વાનનો ડર જોવા મળી રહ્યો છે. જ્યારે વહીવટી તંત્રની કામગીરી સામે રોષ છે. બહેરામપુરાના કેટલાક લોકોએ આરોપ લગાવતા કહ્યું કે, વિસ્તારમાં રખડતાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે. આ મામલે તંત્રે કડક પગલાં લેવાની જરૂર છે.