ગાંધીનગર – ગુજરાતના એકમાત્ર ગાંધીનગર જિલ્લાને સરકારે કોરોના મુક્ત જાહેર કર્યા પછી કેસોની સંખ્યા એટલી તીવ્ર ગતિએ નોંધાઇ કે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગાંધીનગરને રેડઝોનમાં મૂકી દીધું છે.
પાટનગરનો પ્રથમ પોઝિટિવ કેસ ઉમંગ પટેલ નેગેટીવ થવાની સાથે 20મી એપ્રિલે એક પણ કોરોનાનો દર્દી ગાંધીનગરમાં એક્ટીવ રહ્યો ન હતો. ગાંધીનગર જાણે કોરોના ફ્રી થઇ ગયું હોય તેમ લોકડાઉનની ગંભીરતા પણ રહી ન હતી જેના કારણે સામાન્ય લોકો પણ મનફાવે ત્યારે બેરોકટોક અમદાવાદ જેવા હોટસ્પોટ વિસ્તારમાં અવર-જવર કરતા હતા જેના કારણે ગાંધીનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોનાનો અતિચેપી અને જીવલેણ ચેપ પ્રસર્યો છે.
એટલુ જ નહીં,ગાંધીનગરમાં છેલ્લા ચાર દિવસમાં 30 જેટલા દર્દીઓ નોંધાઇ ગયા છે આ સાથે ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 48 થઇ છે. છેલ્લે 32 દિવસની લાંબી સારવાર બાદ ગાંધીનગરના પ્રથમ પોઝિટિવ દર્દી ઉમંગને રજા આપી દેવામાં આવી હતી. ગાંધીનગર કોરોના મુક્ત થયા પછી સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી ગુજરાતના હોટ સ્પોટ એવા અમદાવાદમાં અવર જવર કરતાં હતા તેથી કોરોનાનું સંક્રમણ ઝડપથી ગાંધીનગરમાં ફેલાયું છે.
શરૂઆતમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ કોર્પોરેશન વિસ્તારમાંથી પણ પોઝિટિવ દર્દીઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે. છેલ્લા બે દિવસમાં ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના પાંચ જ્યારે ગ્રામ્ય વિસ્તારના નવ દર્દીનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેર અને જિલ્લામા છેલ્લા ચાર દિવસમાં 30 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં લગભગ તમામ દર્દીમાં અમદાવાદ કનેક્શન સામે આવે છે. અમદાવાદની સિવિલમાં ફરજ બજાવતી નર્સ, ડોક્ટર, પોલીસ જવાન, વર્ગ-4ના કર્મચારીઓ ઉપરાંત અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાંથી લોકડાઉનનો ભંગ કરીને પોતાના કે સંબંધીના ઘરે ગાંધીનગર આવેલા લોકો પણ કોરોનામાં સપડાયા છે.
અમદાવાદ અવર-જવરને કારણે કોરોનાનું સંક્રમણ ગાંધીનગરમાં સરળતાથી અને ઝડપી થયું હોવાથી સરકારે ગાંધીનગરને સીલ કરી દીધું છે. માત્ર એક જ માર્ગ ચાલુ રાખ્યો છે અને ત્યાં પણ ચેકીંગ ચાલી રહ્યું છે. સરકારે ફરીથી જાહેરાત કરી છે કે અમદાવાદ રહેતા કર્મચારીઓએ ગાંધીનગરની ઓફિસમાં આવવું નહીં.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.