ગાંધીનગર વિધાનસભા ગૃહમાં આજનો દિવસ ગૃહની ગરીમા લજવે તેવો રહ્યો. જગદીશ પંચાલ અને પ્રતાપ દુધાત વચ્ચે થયેલી હિંસક ઘટના પાછળનું કારણ પણ એવું ન હતું કે જે, પ્રત્યક્ષ રીતે પ્રજાલક્ષી હોય.
ભુતકાળમાં આશારામ આશ્રમમાં થયેલા બાળકોના મોતના મામલે ગૃહમાં પ્રશ્નોત્તરી ચાલી રહી હતી. તે દરમ્યાન પોતાના વિસ્તારના બાળકોના થયેલા મોત અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ પોતાને બોલવાનો મોકો ના મળતો હોવાના મુદ્દે આક્રોશ વ્યક્ત કરી રહ્યાં હતાં. જેની સામે ભા.જ.પ.ના ધારાસભ્ય જગદીશ પંચાલે શાબ્દીક ટપાટપી કરતાની સાથે માડમના સાથી ધારાસભ્ય પ્રતાપ દુધાત ઉશ્કેરાઈ જતા માઈક તોડી જગદીશ પંચાલ પર હુમલો કર્યો.
સમગ્ર ઘટના પાછળનું મુખ્ય કારણ અપશબ્દનો પ્રયોગ હોવાનું બહાર આવી રહ્યું છે. અપશબ્દ બોલવાની સાથે માહોલ ગરમાતા તે શાબ્દીક યુધ્ધથી મારામારીમાં પરીણમ્યું હતું. માડમના જણાવ્યા પ્રમાણે ભા.જ.પ.ના સભ્યોએ મા-બેન વિશે ગાળો બોલી ઉશ્કેર્યા હતા. જ્યારે સામા પક્ષે ભા.જ.પ.એ પણ કોંગ્રેસના અમરીશ ડેર દ્વારા અશ્લીલ ગાળોનો પ્રયોગ કરાયો હોવાનો આક્ષેપ કર્યો.
અત્યારસુધી મારામારી સુધી સિમીત રહેલા દ્રશ્યો ગાળોમાં પરીણમતા વિધાનસભા ગૃહની ગરીમા લજવાઈ. પ્રજાના પ્રતિનિધી તરીકે ચૂંટાતા ધારાસભ્યો પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું તો ઠીક, સભ્યતા અને ગરીમા પણ જાળવી ના શકવાનો આ કિસ્સો વિધાનસભા ઈતિહાસમાં કલંકીત ઘટનાઓમાંનો એક ગણાશે.