ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર પદની ચૂંટણી મામલે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદહાઇકોર્ટમાં નિર્ણયાધિન છે.ત્યારે, આ વિવાદ વચ્ચે આજે બપોરે મનપાની કચેરીમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. સામાન્ય સભા શરૂ થતાં જ વિપક્ષના સામાન્ય હોબાળા વચ્ચે સભા મુલત્વી રાખવામાં આવી હતી. ક્યાંક મેયર પ્રવિણ પટેલ ભાજપના પ્રેશરમાં હોય તેવું આ કાર્યવાહી પરથી લાગી રહ્યું છે.
આ સામાન્ય સભામાં ગાંધીનગર શહેરમાં ટોઈંગ ક્રેઇનના ભાડાના રૂપિયા ૧૧.૪૦ લાખ પોલીસને આપવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ કરી પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટરો પર કરાયેલા અત્યાચારની ચર્ચા શરૂ કરતા મેયર પ્રવીણ પટેલે સભા મોકૂફ રાખવાની જાહેરાત કરી નાખી હતી. જોકે, દરખાસ્તનો ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુ પટેલે પણ વિરોધ કરતા ભાજપના કોર્પોરેટરોમાં રહેલો અસંતોષ પણ સપાટી પર દેખાયો હતો. ત્યારે, કૉંગ્રેસના સભ્યોએ પણ શાસકપક્ષના સૂરમાં સૂર પુરાવ્યો હતો. એ દ્રષ્ટિએ મેયર એકલા પડી ગયા હતા. જેના કારણે, દરખાસ્ત મંજૂર થઇ શકી નહોતી.
સામાન્ય સભા સત્તાધારી ભાજપ દ્વારા ફરી એકવાર ૧૫ મીનીટમાં જ આટોપી લેવાની ફરજ પડી હતી. મેયર, ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમિટીની થયેલી ચૂંટણી અંગે લગભગ અડધો ડઝન અરજીઓ સાથે ગુજરાત હાઇકોર્ટમાં વિવાદ પડતર છે. ત્યારે આજે નગરસેવકોના પગાર વધારા સાથે મહાનગરપાલિકાને સ્ટાર રેટિંગ માટે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં હોબાળો થયો હતો. આ મીટીંગમાં પુરાવણી એજન્ડા સાથે ગાંધીનગર શહેરમાં આડેધડ પાર્ક થયેલા વાહનો ટોઈંગ કરવા ભાડે રકહાયેલી ક્રેઇનનું ભાડું પોલીસને આપવા અંગે દરખાસ્ત કરવામાં આવી હતી. જેનો ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુ પટેલે જ વિરોધ કર્યો હતો.
કોંગ્રેસના કોર્પોરેટરો ચીમન વિંઝુડા, જીતુ રાયકા, જયરાજસિંહ પરમાર, અંકિત બારોટ અને હસમુખ મકવાણાએ વિરોધ કરતા કહ્યું કે, ટોઈંગના કારણે દંડની થતી આવક પણ પોલીસ લઇ જાય અને મહાનગરપાલિકાએ પણ ૪ ટોઈંગ ક્રેઇનના કુલ ભાડાના રૂપિયા ૧૧,૪૦,૦૦૦ પૈકી રૂપિયા ૭.૫૦ લાખ ચુકવવા પડે તે યોગ્ય નથી.
કૉંગ્રેસના સભ્યોએ ગત સામાન્ય સભામાં થયેલા પોલીસ બળપ્રયોગની ઘટના અંગે વિરોધ કર્યો હતો. તેમણે પોલીસ ભાજપના ઇસારે ચાલતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ સાથે કોંગ્રેસના જણાવ્યું હતું કે, પોલીસે પાંચ મહિલા કોર્પોરેટર સામે અમાનુષી વર્તન કર્યું હતું અને ત્યારબાદ હજુ પણ ઘરે આવી ખોટી રીતે નોટિસ આપવા સાથે પરેશાન કરી રહી છે. મેયર પ્રવીણ પટેલના વિરોધ છતાં કોંગ્રેસના કોર્પોરેટરોએ આ ચર્ચા ચાલુ રાખતા મેયરે સભા બરખાસ્ત કરી દીધી હતી. તો અગાઉ અપહરણ કરાયેલા કોંગ્રેસી કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું કે, મારું અપહરણ કરનાર ૪ લોકો બિન્દાસ્ત ફરી રહ્યા હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. પોલીસ રીઢા ગુનેગાર હોય તેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વ્યવહાર કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ સાથે જ ભાજપના કોર્પોરેટરો સભા છોડીને જતા રહ્યા હતા.
કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા નાયબ મ્યુનિસિપલ કમીશ્નરને મળી આ બાબતે રજુઆત કરી હતી. સામાન્ય સભામાં એજન્ડાની કોઇ કામગીરી થઇ શકી નહોતી. પરંતું, શાસક પક્ષનો આંતરિક અસંતોષ બહાર આવ્યો હતો. બંને તરફથી ભિંસાયેલા મેયર પ્રવીણ પટેલ અને ભાજપના કેટલાક કોર્પોરેટર વચ્ચે ચાલતો આંતરિક અસંતોષ પણ ભાર આવ્યો હતો.