દહેગામના કોંગ્રેસના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ અને પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડે ભરતસિંહ ઠાકોર નામના ખેડુતની હત્યા માટે જિગરને 10 લાખ રૂપિયાની સોપારી આપી હોવાના આક્ષેપ સાથે અરજી કરતા વિવાદ ઘૂમરાયો હતો. આ અંગે મોડી સાંજે કામીનીબા રાઠોડ અને ભૂપેન્દ્રસિંહે કહ્યું કે ખેડુત ભરતસિંહ ઠાકોર દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો સાવ ખોટા અને પાયાવિહોણા છે. આ ઉપરાંત જિગર રાઠોડ નામના જે યુવાનને ભરતસિંહ ઠાકોરની હત્યા માટે સોપારી આપવામાં આવી હતી તે જિગરે રાઠોડે એફિડેવિટ રજૂ કરી ભરતસિંહના આક્ષેપોનું ખંડન કર્યું હતું અને એફિડેવિટમાં જણાવ્યું કે ખેડુત દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો કોઈ વ્યક્તિની રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યા છે.
જિગરે રાઠોડે રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું કે પોલીસને આપેલી અરજીમાં મારું અને પિનાકીનભાઈનું નામ આપવામાં આવ્યું છે. હકીકતમાં 26મી તારીખે ભરતસિંહ ઠાકોરને મળ્યાની વાત તેમણે ઉપજાવી કાઢેલી છે. આ ઉપરાંત જિગરે સોગંદનામામાં જણાવ્યું છે કે ભૂપેન્દ્રસિંહ સાથે અણબનાવ છે અને એકલા બહાર નહીં નીકળશો તો જાન પર જોખમ હોવાની વાત મેં ક્યારેય ભરતસિંહને જણાવી નથી. તેમજ લાલભાઈ ઉર્ફ ભૂપેન્દ્રસિંહ સાથે મારા ફોન પરથી કોઈ વાત કરવામાં આવી નથી.
જિગરે વધુમાં લખ્યું છે કે ભૂપેન્દ્રસિંહ પાસેથી રૂપિયાની થેલી લઈ જજો એમ આક્ષેપ કર્યો છે તે વાત પણ ઉપજાવી કાઢી છે.
કામીનીબાએ કહ્યું કે કોઈ મનદુખના કારણે ખેડુત ભરતસિંહે આવા પ્રકારની અરજી કરી હોવાનું બની શકે છે. ભરતસિંહ ઠાકોરને કોંગ્રેસના લવાદ ગામના નિરીક્ષક પણ બનાવાયા છે. મનદુખ હશે તો તેને દુર કરવામાં આવશે.