પાટીદાર અનામત આંદોલન સમિતિ આજે 25 જિલ્લાના કન્વીનર દ્વારા ગાંધીનગર ખાતે ઓબીસી કમિશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ, મનોજ પનારા સહિતના પાસના આગેવાનો હાજર રહ્યા હતા.પાસ દ્વારા પાટીદાર સમાજનો સરવે કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી.
હાર્દિક પટેલે કહ્યું કે પાટીદાર સમાજની માંગણી એટલી જ છે કે પાટીદાર સમાજનો સામાજિક અને આર્થિક રૂપે એક ઈમાનદારીથી સરવે કરવામાં આવે, જેના થકી પાટીદાર સમાજમાં કેટલા ટકા લોકો ગરીબ છે, કેટલા ટકા પરિવારો પાસે નોકરી છે, કેટલા ટકા પરિવારો પાસે સારું શિક્ષણ છે, કેટલા ટકા પરિવારો પાસે જમીન છે. જેના અનુસંધાને નક્કી કરી શકાય કે પાટીદાર સમાજને કેટલા ટકા અનામત આપવાની જરૂર છે. આ પહેલા ઓબીસી કમિશનમાં પાટીદાર સમાજ દ્વારા44 અરજીઓ કરવામાં આવી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આ બીજી અરજી કરવામાં આવી છે.ઓબીસી કમિશન દ્વારા કહેવામાં આવ્યું છે કે જલ્દીમાં જલ્દી પાટીદાર સમાજનો ઈમાનદારીથી સરવે કરવાની પ્રક્રિયા હાથ ધરીશું અને એક અઠવાડિયામાં આપને ફરીથી અહીં બોલાવીને બેઠક કરીને આગળની પ્રક્રિયા જણાવીશું.
હાર્દિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઓબીસી કમિશને 16 ટકા મરાઠા અનામત આપવાનો સરવે કર્યો અને હાઈકોર્ટે પણ તેને માન્ય રાખ્યો છે. મરાઠા અનામત વિરુદ્વની અરજીને કોર્ટે ફગાવી છે. આજે 11 પાનાની રજૂઆત કરી સરવે કરવાની માંગ કરવામાં આવી છે. ઓબીસી કમિશનના સુજ્ઞાબેન ભટ્ટ સહિતની પેનલે અમેન સારી રીતે સાંભળ્યા છે અને સકારાત્મક જવાબ આપ્યો છે. આના પરથી આશા જાગી છે કે પાટીદાર અનામતને જરૂર સફળતા મળવાની તકો ઉભી થઈ છે.
હાર્દિકે કહ્યું કે ઓબીસી કમિશન સાથે રજૂઆત કરતી વખતે ઓબીસી કમિશન ઓફ ઈન્ડીયાને સવિશેષ અધિકાર આપવામાં આવ્યા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બંધારણના આર્ટીકલ 15 પ્રમાણે કમિશનને અધિકાર છે કે કોઈ પણ જાતિને અનામતમાં સમાવવા માટે કાર્યવાહી કરી શકે છે. ગુજરાતની ભાજપ સરકાર પાસે અપેક્ષા રાખી કે હવે પોઝીટી વિચાર કરશે. પાછલા 25 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારે પાટીદારોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે અને બંધારણના નામે 50 ટકાથી વધારે અનામત ન આપી શકાય તેવું જણાવી લોકોને ગેરમાર્ગે દાર્યા છે.
હાર્દિકે કહ્યું કે 17થી 18 ટકા પાટીદારોનો સરવે કરી તેમને સામાજિક અને આર્થિક રીતે અનામત આપવામાં આવે. સાડા ત્રણ વર્ષથી લોકોને ગુમરાહ કરવાનો ભાજપનો પરપોટો ફૂટી ગયો છે.
જસદણની ચૂંટણી જાહેર થઈ છે તે અંગે હાર્દિકે કહ્યું કે બે દિવસ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મળવાના છે અને આવનાર વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ પ્રાઈવેટ બીલ રજૂ કરે તે માટે તેમની સમક્ષ માંગ મૂકવામાં આવશે. પ્રાઈવેટ બીલ વિધાનસભામાં ટકે છે કે ભાજપ તેને ઉડાડી દે છે તે અમારે જોવું છે.