ગાંધીનગર- કોરોના વાયરસના પગલે એક તરફ વર્ક ફોર હોમ અને ઓનલાઇન એજ્યુકેશનનું ચલણ વધ્યું છે ત્યારે ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા ઇ-લર્નિંગની પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય બંધ છે પરંતુ અધ્યાપકો અને સ્ટાફ મેમ્બર્સ ફરજ પર ઉપસ્થિત છે. આવા સંજોગોમાં આ યુનિવર્સિટી દ્વારા એન્જિનિરીંગ, ડિઝાઇન, આયુર્વેદિક, નર્સિંગ, હોમીયોપેથી, ફિઝિયોથેરાપી, સાયન્સ, બિઝનેસ વિગેરે શાખામાં વિદ્યાર્થીઓને ઇ-લર્નિંગની સુવિધા આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહિ અને સમયનો સદુપયોગ થાય તે હેતુસર, અધ્યાપકો પોતાનું લેક્ચર વિડિઓ રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીઓને વોટસસપ ગ્રુપમાં મોકલી આપશે તથા વેબિનાર અને લર્નિંગ લિંક્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા ઘરે બેઠા પણ શૈક્ષણિક કાર્ય શક્ય કરી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સવાલ-જવાબના સેશન પણ સ્કાઇપે દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.
જે એકેડેમિક ટાઈમ ટેબલ ક્લાસ રૂમ માં અનુસરાતું હતું તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ ના સેશન ઈ-લર્નિંગ ના માધ્યમ થી અભ્યાસ શરૂ રહેશે. આવી કટોકટી અને ગંભીર પરિસ્થિતિમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા તમામ અગમચેતી ના પગલાંઓ ગંભીરતાથી લેવાઈ રહ્યા છે. વોશરૂમ, વર્ગખંડો, કેન્ટીન, હોસ્ટેલ, યુનિવર્સિટીની ઓફિસોમાં સાફ સફાઈ હંમેશાની જેમ ખુબ જ કાળજીપૂર્વક કરાઈ રહી છે. સ્વચ્છતાની જાળવણીના ભાગરૂપે સેનિટાઇઝરની સુવિધા પણ યુનિવર્સિટી કેમ્પસમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
યુનિવર્સિટીમાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર તેમજ ગામડાના રહીશો માટે વિના મુલ્યે “આયુર્વેદિક ઉકાળો” નું વિતરણ પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. એચ.એચ. પટેલ હાઈસ્કુલ, ધમાસણા ગામ ખાતે કોરોના વાયરસ પ્રતિબંધક આયુર્વેદિક ઉકાળા ના વિતરણ નો આયોજન કરેલ છે. જેમાં 150 થી વધુ ગ્રામ્યજનોને લાભ મળશે.
હોમીયોપેથીક હોસ્પિટલના ડોક્ટર અને વિદ્યાર્થીઓની ટીમ દ્વારા 23 માર્ચના રોજ પ્રાથમિક શાળા, સૈજપુર- ગોપાલપુર, પીરાણા રોડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોરોના વાયરસ સામે રક્ષણ આપતી દવાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે. આ કેમ્પ દ્વારા આશરે 5000થી વધુ લોકો ને સારવાર, માહિતી અને વિના મુલ્યે હોમીઓપેથીક દવા આપવાનો પ્રયત્ન સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.