બાળકને મળતા તેના પિતા :રાજસ્થાનના કોટમાંથી શિવાંશ ના પિતાની ધરપકડ
રાત્રે પોલીસ સચિન દીક્ષિત ને રાજસ્થાનના કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે
રાજ્યભરમાં ચકચાર મચાવનાર ગાંધીનગરમાં બાળકને ત્યજી દેવાના મામલે ગઈકાલે રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો જણાવ્યું .તેના પિતા સચિન દીક્ષિત દ્વારા તેને તરછોડી દેવાયાનો ઘટસ્ફોટ કરાયો હતો. ત્યારે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ સચિનને કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં તેમને લઈ ગઈ અને પૂછતાંછ શરૂ કરવામાં આવી રહી છે. હાલ શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે.
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળા પાસેથી શુક્રવારે કોઈ અજાણ્યો શખ્સ એક માસુમ ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ભાગી ગયો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ LCB, SOG સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.શિવાંશના માતા પિતા ને શોધવા પોલીસેની 14 ટિમો ગંભીરતાથી કામે લાગી હતી.
બીજી તરફ ગાંધીનગરમાં ગણતરીની મિનિટોમાં બાળકને છોડી દેવાની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને તમામની નજર ગાંધીનગર પોલીસની તપાસ પર હતી. જયારે આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાજ્યના જિલ્લા પોલીસ વડાઓને પણ બાળકની ભાળ શોધી કાઢવા આદેશો આપ્યા હતા.ગાંધીનગર પોલીસે 100થી વધુ સીસીટીવીમાં ફૂટેચો ચેક કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં કેદ હોવાનું બહાર આવ્યું હતું જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું જણાય છે.
20 કલાકની તપાસ કર્યા બાદ બાળકનું અસલી નામ શિવાંશ હોવાનું સામે આવ્યું
ભાજપની કાઉન્સિલર દિપ્તીબેન પટેલે શુક્રવારની રાતથી યશોદામાં બાળકની સારસંભાળ માટે સારી ભૂમિકા ભજવી હતી અને સિવિલમાં બાળકનું નામ સ્મિત રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ દિવસભર સ્મિતના વાલી વારસો કોણ છે? ચર્ચાએ જોર પકડ્યો. આખરે 20 કલાકની તપાસ બાદ ગૃહમંત્રીએ ખુલાસો કર્યો કે બાળકનું સાચું નામ શિવાંશ છે. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા સાથે રાજસ્થાન ભાગી ગયો છે અને તેને ગાંધીનગર લાવવામાં આવે પછી જ સમગ્ર મામલો સામે આવશે, તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું.
મોડી રાત્રે પોલીસે રાજસ્થાનથી દંપતિને લઇ આવી
શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી ગાંધીનગર લાવી હતી. પોલીસ તેમને સેક્ટર -26 માં એક ઘરમાં લઈ ગઈ છે અને તેમની પૂછપરછ કરી રહી છે. જોકે, સચિનની પત્ની અનુરાધાનું કહેવું છે કે તે તેના પતિના પ્રેમ સંબંધથી અજાણ હોવાનું જણાય છે.
શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો
મહિલા પોલીસની ટીમ અનુરાધાની પૂછપરછ કરી રહી છે. હાલમાં સચિનની SCB અને SOG દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેની અલગથી પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું પણ સામે આવ્યું છે કે અનુરાધા પોલીસને પૂરતો સહકાર આપી રહી નથી. જ્યારે શિવાંશની માતા વડોદરાની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ પૂછપરછ કરી રહી છે કે સચિન શિવાંશને ગાંધીનગર કેવી રીતે લાવ્યો અને તેણે બાળકને ક્યાં છોડી દીધું. જ્યારે સચિનની પત્ની અનુરાધા પિયર કોટામાં એક સામાજિક કાર્યક્રમમાં ગઈ હતી હોવાનું રટણ કરે છે.