ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાએ સુરતની ટૂંકી મુલાકાત લીધી હતી. ભાજપ લઘુમતિ મોરચાના રાષ્ટ્રીય સચિવ અનીસ હકીમના નિવાસે સુરતના વકફ ટ્રસ્ટોના ટ્ર્સ્ટીઓ સાથે સિટીઝન ચાર્ટર અંગેની સમજ આપવા અને આવનાર 25મી તારીખના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળના કાર્યક્રમ વિશે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
વકફ બોર્ડ દ્વારા સર્વપ્રથમ વખત સિટીઝન ચાર્ટરનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તક શરૂ કરવામાં આવી રહ્યો છે. સિટીઝન ચાર્ટર અંગે સજ્જાદ હીરાએ વાત કરતાં જણાવ્યું કે વકફ બોર્ડ હેઠળ નોંધાયેલા ગુજરાત ભરની મસ્જિદ, મદ્રેસા અને દરગાહોના ટ્ર્સ્ટોની માહિતી માત્ર એક જ ક્લિકના આધારે મેળવી શકાશે. સિટીઝન ચાર્ટરની સિસ્ટમથી વકફ બોર્ડમાં નોંધાયેલા ટ્ર્સ્ટોની કામગીરીને વધુમાં વધુ સરળીકરણ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે 25મી તારીખે સિટીઝન ચાર્ટરનાં પ્રારંભ સાથે સુરત અને રાજકોટની વકફ બોર્ડની કચેરીઓ હાલ અઠવાડિયામાં બે દિવસ કાર્યરત રહે છે તે હવે સોમથી શનિવાર સુધી કાર્યરત રહેશે. સુરત અને રાજકોટની ઝોનલ કચેરીઓની પણ 25મી તારીખે શરૂઆત કરવામાં આવશે. ગુજરાત જ નહીં પણ દેશભરમાં બિનવારસી માનવીઓની સેવા અને બિનવારસી મૃતદેહોને અંતિમ મંજિલે પહોંચાડતી સુરતની એકતા ટ્ર્સ્ટને આધુનિક એમ્બ્યુલન્સ વાન પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે અર્પણ કરવામાં આવનાર છે.
25મી તારીખના કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં હાજર રહેવા સજ્જાદ હીરાએ ગુજરાત ભરનાં ટ્ર્સ્ટોના મુતવલ્લીઓને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવા અપીલ કરી છે. 25મી તારીખે બપોરે બે વાગ્યે ગાંધીનગરના ડો.જીવરાજ મહેતા ભવન ખાતે સિટીઝન ચાર્ટરના પ્રારંભનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે.
મીટીંગમાં રીફાઈ સાહેબની ગાદીના સજ્જાદાનશીન સલીમુલ્લાહ રીફાઈ, અનીસ હકીમ, અફઝલ ખાન, સલીમ ચાંદીવાલા, બાબાભાઈ એન્જિનિયર, હાજી સૈયદ અલી( અલી બાવા), અામદ આમલા, જૂનેદ છોટાણી, ઈસ્માઈલ ચાચા, ખાન માસ્તર, નઝીર માસ્તર વગેરે હાજર રહ્યા હતા.