ગાંધીનગર
ભાઈ, વાહ મોદીજી વાહ….. એમ કહેવાનું મન થાય છે. વડાપ્રધાને દેશની જનતાને બેસતા વરસના “ઇંધણ મુબારક” પાઠવી દીધા છે. છેલ્લા કેટલાક મહિનાથી ઇંધણના ભાવ વિફરેલા આખલાની માફક દેશની જનતાને જાણે શીંગડામાં ભરાવીને ફંગોળી રહ્યા હતા. રોજબરોજની ખર્ચનું ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને ભૂગોળ એમ બધુજ હાલક ડોલક થઇ ગયું હતું. ભાજપના કાર્યકરો અને આગેવાનો મનમાં અને મનમાં પ્રાર્થના કરતા હતા કે એ કૂદકે અને ભૂસકે વધી રહેલા ઇંધણના ભાવને મોદી દ્વારા બ્રેક મારવામાં આવે નહિ તો પ્રજા વચ્ચે જઈને કેવી રીતે મ્હોં દેખાડવું એક મોટો સવાલ હતો.

છેવટે બિલકુલ કાળી ચૌદશની સમી સાંજે સમાચાર આવ્યા કે પેટ્રોલની એકસાઇઝ ડ્યુટીમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 10 નો ઘટાડો દિવાળીથી અમલમાં આવશે. આ સમાચારની પાછળ પાછળ ગુજરાતના નવા નકોર મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરીને ઇંધણ ઉપરના રાજ્ય સરકાર દ્વારા લેવાતા વેટ માં રૂ. 7નો ઘટાડો જાહેર કરી દીધો. હવે અમદાવાદમાં પેટ્રોલ રૂ. 95.13 નું લીટર અને ડીઝલ રૂ. 89.12નું લીટર મળશે.

હવે અહીંયા બીજી એક વાત સમજવા કે આ ઇંધણ પરની એક્સસાઈઝ ડ્યુટી દિવાળી પહેલા પણ ઘટાડી શકાય હોત. તો કેમ ના ઘટાડાયી? અરે ભાઈ તો પછી એ ઘટાડાનું મહત્વ કેવી રીતે રહે? પણ જો દિવાળીના પવિત્ર તહેવાર વખતે આ ઘટાડો કરવામાં આવે તો દેશભરમાં સરકારની સંવેદનશીલ, સૌહાર્દપૂર્ણ અને પ્રજાલક્ષી છબી પ્રજા સમક્ષ સારી રીતે રજુ થઇ શકે. હશે ભાઈ, એમ તો એમ પણ છેવટે ઇંધણ થોડું તો થોડું પણ સસ્તું તો થયું… બાકી આ કોરોના કાળથી તો જો કંઈક સસ્તું થયું હોય તો એ માણસની જિંદગી છે.