પાસના નેતા હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે ગુજરાતભરના પાસના કન્વિનરો સાથે ઓબીસી આયોગની મુલાકાત લેશે. હાર્દિકે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે પાટીદાર સમાજ તરફથી આ છેલ્લો પ્રયાસ છે. હવે પછી આરપારની લડાઈ લડવામાં આવશે.
હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં આનંદીબેન સરકારે 10 ટકા ઇબીસીની જાહેરાત કરી હતી. આ વખતે હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે આ અનામત કોઈ પણ પ્રકારના સર્વે વગર આપવામાં આવ્યું હોવાથી તેને માન્ય રાખી શકાય નહી. સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે સર્વે બાદ જ અનામત આપી શકાય. ગુજરાતમાં સર્વે થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સર્વેમાં ખબર પડી જશે કે પાટીદાર સમાજ કેટલો દુઃખી અને પછાત છે. સર્વેની માંગણી સાથે જ અમે ઓબીસી કમિશન સમક્ષ રજુઆત કરીશું. અમે પંચને વિનંતી કરીશું કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સર્વે કરીને તમે જ નક્કી કરો કે પાટીદાર સમાજને અનામતની જરૂર છે કે નહીં.”
આનંદીબેને જે અનામતની જાહેરાત કરી હતી તે સર્વે કર્યા વગર જ કરી હતી. આથી તે બંધારણીય ન હતું. અમે ઇચ્છીએ છીએ કે દસ લોકોની સમિતિ બનાવવામાં આવે, આ સમિતિમાં પાટીદારના પાંચ લોકોનો પણ સમાવેશ કરવામાં આવે જેનાથી ઇમાનદારીથી સર્વે કરી શકાય.”
મહારાષ્ટ્ર સરકારે ત્રણ જ વર્ષમાં સર્વે કરીને અનામતની જાહેરાત આપી દેવા અંગે હાર્દિકે કહ્યુ કે,”મહારાષ્ટ્ર સરકારને ફક્ત ત્રણ જ વર્ષમાં આટલી બુદ્ધિ ચાલતી હોય તો ગુજરાતની સરકાર શું છેલ્લા 25 વર્ષથી ડમરું વગાડે છે? આટલા અનુભવ પછી પણ સરકાર લોકોને મુર્ખ બનાવે છે. મહારાષ્ટ્ર સરકારે અનામતની જાહેરાત કરી એટલે સરકાર સફાળી જાગી છે અને નાટકો શરૂ કર્યા છે. અમારે કોઈ નાટકો નથી જોઈતા. અમે ઇચ્છીએ છીએ કે ત્રણ મહિનામાં સર્વે થાય અને અનામતની જાહેરાત કરવામાં આવે. 25 વર્ષના યુવકો સરકાર સામે લડી રહ્યા હોવાથી સરકારને પોતાનો અહંકાર નડે છે. અમે 45મી વખત રજુઆત કરી રહ્યા છીએ. આ અમારી છેલ્લી રજુઆત છે. બાદમાં અમે આરપારની લડાઈ લડીશું.”