ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપે આક્ષેપ કર્યો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સેક્ટર-15 વોર્ડ-6માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે અને પોલીસે પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22 નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો છે.
સેક્ટર 24માં ભાજપના કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને આવતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે વિરોધ કરતા ભાજપના કાર્યકરોએ ખેસ ઉતાર્યો હતો. મનપાની ચૂંટણીમાં અત્યારસુધીમાં 24.07 ટકા મતદાન થયુ છે. સૌથી વધુ મતદાન વોર્ડ-7માં 42 ટકા જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ-10માં 14.67 ટકા અત્યારસુધી નોંધાયું છે. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 bjp, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે.
સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સેકટર – 2 પ્રાથમિક શાળામાં સવારથી મતદારો ગોથે ચડયા છે. કેમકે બુથ નો નંબર અલગ અને વર્ગ ખંડની બહાર અલગ નંબર હોવાના કારણે અસમંજસ સર્જાઈ છે. જેનાં પગલે જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્ય પણ આવી પહોંચ્યા હતા. પોલીંગ બુથ એજન્ટ પણ ગોથે ચડયા હતા.
સરકારી નગરી તરીકે જાણીતું ગાંધીનગરમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ રવિવારની રજા હોવાથી વહેલી સવારે આરામ કરવાના મૂડમાં હોય છે. જેથી અત્યારે સવારે સાત વાગે મતદાન કેન્દ્રો પર પાંખી હાજરી જોવા મળી રહી છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મતદાન કેન્દ્રો પર મતદારો ની સંખ્યા વધતી જશે. મતદાન કેન્દ્રો પર મેડીકલ ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.
કોરોનાની વૈશ્વિક મહામારી પછી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ પક્ષો વચ્ચે જંગ ખેલાયો છે. ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 284 બૂથ પર 281897 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તંત્ર ધ્વારા ગઈકાલથી જ ઈવીએમ સહિતની સામગ્રી બૂથ પર રવાના કરાઈ હતી અને હાલ દરેક બૂથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે.
ચૂંટણી તંત્ર દ્વારા 284 બૂથ પૈકી 144ને સંવેદનશીલ અને ચારને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ બૂથ પર કુલ 1,45,130 પુરુષ મતદાર અને 1,36,758 મહિલા મતદાર નોંધાયેલા છે, જ્યારે 9 અન્ય છે. મતદાન મથક માટે 461 બેલેટ યુનિટ અને 317 કાઉન્ટિંગ યુનિટ તૈયાર કરીને મતદાન મથકો પર મોકલી દેવાયા છે. આ કામગીરી માટે 11 વોર્ડમાં પાંચ ચૂંટણી અધિકારી અને 1775 કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ ઉપરાંત મતદાન મથકોએ 1270 પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને પાંચ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે. સે-15ની સરકારી સાયન્સ કોલેજ, સે-15 આઈટીઆઈ, સે-15 સરકારી કોમર્સ કોલેજ, સે-15 સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સે-15ની સરકારી આર્ટ્સ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયા સે-15 સરકારી સાયન્સ કોલેજ, આઈટીઆઈ, સરકારી કોમર્સ કોલેજ, સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિ અને સરકારી આર્ટસ કોલેજમાં કુલ 53 ટેબલ પર હાથ ધરાશે.