ગ્વાટેમાલામાં આખા જગતમાં ક્યાંય ના હોય એવા પિઝા ઈન્ટ્રોડ્યુસ થયા છે. જેનું નામ છે ‘લાવા પિઝા’ અથવા ‘વોલ્કેનો પિઝા’. કેમ કે એ પિઝા જ્વાળામુખીના ધગધગતા લાવારસ પર શેકાઈ રહ્યાં છે. સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં 100 ડિગ્રી પર ગરમ થયેલું પાણી હોય તો તેને પણ સ્પર્શ નથી કરી શકતા. પરંતુ આ પિઝા જેની પર શેકાય છે તે લાવાનું તાપમાન 900-1000 ડિગ્રી હતું. ગ્વાટેમાલાના પાટનગર ગ્વાટેમાલા સિટીથી 25 કિલોમીટર દૂર પકાયા નામનો જ્વાળામુખી ફેબ્રુઆરીથી સક્રિય થયો છે અને લાવા ઓકી રહ્યો છે. આ જ્વાળામુખી સૌ પહેલાં 23 હજાર વર્ષ પહેલાં સક્રિય થયો હતો. 1960થી એ નિયમિત રીતે સક્રિય થતો રહે છે. અત્યારે ફરી સક્રિય થયો એટલે સ્થાનિક શેફ એન્ડી ગ્રેસિયા પિઝા પાન લઈને ત્યાં પહોંચી ગયો અને ત્યાં પિઝા શેકવા માંડ્યો અને તેને પિઝા ખાનારા ગ્રાહકો પણ મળવા લાગ્યા. પિઝા શેકતા તેને 14 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. એન્ડીએ આ જોખમી સાહસ વિશે કહ્યું કે, કામ તો જોખમી હતું પરંતુ મે પ્રયોગ કરવાનું નક્કી કરી દીધું. જ્વાળામુખીનો લાવા પોતાના પગમાં ફરી ન વળે એ માટે તેણે સાવધાની પણ રાખી હતી. એ ઉપરાંત પવન પોતાની સામેથી નહીં, પણ પાછળથી હોય તેનું પણ ધ્યાન રાખ્યું હતું. જેથી તેના પર સળગતો લાવા ન ફેંકાય. શેફ એન્ડી ગ્રેસિયાના પિઝા ખાનારાઓ જણાવ્યું કે, ‘સ્વાદ તદ્દન અનોખો છે અને તેમાંથી લાવાની સુગંધ પણ આવી રહી છે.’ એ પછી તો તેને ‘પકાયા પિઝા’ અથવા તો ‘લાવા પિઝા’ ના નામે મોટી સંખ્યામાં ખાનારાઓ પણ મળી ગયાં. ગ્વાટેમાલમાં કુલ 3 સક્રિય જ્વાળામુખી છે. એ પૈકીનો આ પકાયા તો ગ્વાટેમાલા સિટીમાંથી પણ જોઈ શકાય છે.
